ચેમ્બુરમાં એક રાતમાં ચાર દુકાનનાં તાળાં તૂટ્યાં

23 May, 2020 11:06 AM IST  |  Chembur | Mehul Jethva

ચેમ્બુરમાં એક રાતમાં ચાર દુકાનનાં તાળાં તૂટ્યાં

ચેમ્બુર (ઈસ્ટ)માં આવેલી સ્ટેશન રોડ પરની દુકાનોમાં બુધવારે મોડી રાતના ચાર દુકાનનાં તાળાં તૂટ્યાં હતાં. જો કે સદ્નસીબે ચોર દુકાનોની અંદર પ્રવેશી નહોતા શક્યા એટલે દુકાનદારોને કોઈ નુકસાન નહોતું થયું. આ ઘટનાથી બે મહિનાથી દુકાનો બંધ હોવાથી ચોરીના પ્રયાસ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દુકાનદારોઅે પોલીસને પેટ્રોલિંગ વધારવાની વિનંતી કરી છે.

લૉકડાઉનમાં બે મહિનાથી મુંબઈભરની દુકાનો બંધ છે ત્યારે ચોર સક્રિય થવાથી દુકાનદારોની ચિંતામાં વધારો થયો છે. ચેમ્બુર-ઈસ્ટમાં સ્ટેશન રોડ પરની ચાર દુકાનોનાં તાળાં બુધવારે રાતના દોઢ વાગ્યે તોડવામાં આવ્યા હતા. જો કે દુકાનોની સેન્ટ્રલ લૉક સિસ્ટમને લીધે ચોરોને દુકાનો ખોલવામાં સફળતા નહોતી મળી. ચોરોનો આ પ્રયાસ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

જેનું શટર તૂટ્યું છે એ બેલી શૂઝના માલિક રોહન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બુધવારે મધરાતની છે. મને બીજા દિવસે સવારે ૮ વાગ્યે જાણ થઈ હતી. મારું ઘર દુકાનથી પાંચ મિનિટે જ છે. અજાણ્યા તસ્કરોએ તાળું તોડયું હતું. ચાર દુકાનોમાં બૉમ્બે ટૉયસ, બૉયઝ ઝોન દુકાનોનો સમાવેશ છે. અમે પોલીસને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે વિંનતી કરી છે.

ચેમ્બુરમાં પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જયપ્રકાશ ભોંસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્ટેશન રોડ પરની આ તમામ દુકાનો પાસે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. વેપારીઓને અપીલ છે કે તમારી દુકાનમાં જો સીસીટીવી હોય અને તે મોબાઇલમાં જોઈ શકાતા હોય તો દિવસમાં એક વાર દુકાનની અંદર અને બહાર જોવું એથી દુકાન પર ધ્યાન રહી શકે.’

lockdown mumbai mumbai news chembur mehul jethva