મ્હાડાનું ઘર સસ્તામાં અપાવવાનું સપનું બતાવી ગુજરાતી સાથે કરી છેતરપિંડી

24 November, 2011 05:31 AM IST  | 

મ્હાડાનું ઘર સસ્તામાં અપાવવાનું સપનું બતાવી ગુજરાતી સાથે કરી છેતરપિંડી



(અંકિતા શાહ)

મુંબઈ, તા. ૨૪

ડોંગરીમાં બીઆઇટી ચાલમાં રહેતા ૩૬ વર્ષના ગુજરાતી મનોજ સોલંકી સાથે આવું જ થયું હતું. તેની સાથે મ્હાડાનો ફ્લૅટ સસ્તામાં અપાવવાનું સપનું બતાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે જેણે મનોજ સાથે છેતરપિંડી કરી એમાંથી એક તો તેની સાથે સ્કૂલમાં ભણતો મિત્ર હતો. આરોપીઓએ કુલ મળીને ૧૧ લાખ ૫૦ હજાર રૂપિયાની છેતરપિંડી તેની સાથે કરી હતી. આ કેસમાં પોલીસે પાંચ જણની ધરપકડ કરી છે.

મ્હાડા ઘર જે કિંમતનું હોય એના કરતાં ઓછી કિંમતનું આપવાનાં સપનાં બતાવી બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવીને પોતાની સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાત વિશે બિઝનેસ કરતા મનોજ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકોએ આવા લોકોથી ચેતવું જોઈએ. મારી સાથે થયું એવું અનેક લોકો સાથે થયું હોઈ શકે છે. કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી. ડુપ્લિકેટ પેપર્સ અને રસીદ આપીને તેમણે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હશે.’

મિત્રએ જ ફસાવ્યો

મનોજ સોલંકીએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘લલિત શિવરામેશ્વર મારો સ્કૂલનો મિત્ર હોવાથી અમારું એકબીજાના ઘરે આવવા-જવાનું રહેતું હતું અને તેના કુટુંબની સાથે પણ હું સારી રીતે પરિચિત હતો. એક દિવસ લલિતે મ્હાડાનું ઘર સસ્તામાં મળી રહ્યું હોવાની વાત કરીને તેણે વિક્રોલીના કન્નમવારનગરમાં રહેતી રૂપાલી બન્સોડે સાથે મેળવ્યો હતો. માઝગાવમાં આવેલા ઇન્ફિનિટી અપાર્ટમેન્ટમાં ૩૨૫ સ્ક્વેરફૂટની જગ્યા બજારમાં પચીસ લાખ રૂપિયા છે, પરંતુ મને તેણે અઢાર લાખ રૂપિયામાં આપવાની વાત કરી હતી. મારી પાસે એટલી રોકડ રકમ ન હોવાથી મેં તેને પાંચ લાખ જમા કરાવવાની વાત કરી હતી અને ત્યાર બાદ થોડા-થોડા પૈસા આપવાની વાત કરી હતી.’

મ્હાડાના કથિત અધિકારી મળ્યા

રૂપાલીએ મને ૨૦૦૯માં સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મ્હાડાની કૅન્ટીનમાં એક વાર બોલાવ્યો ત્યારે હું મારા મિત્ર સાથે ત્યાં ગયો હતો એમ જણાવીને મનોજ સોલંકીએ કહ્યું હતું કે ‘ત્યારે રૂપાલીએ બીજા બે જણ ચંદ્રકાન્ત સાવંત અને અમરદીપ સિંહ સાથે ઓળખાણ કરાવી હતી. તેઓ મ્હાડાના અધિકારી હોવાથી તેમણે જ આ કામ કરીને આપવાની વાત કરી હતી. જલ્ાદી ઘર મેળવી આપવા માટે તેમણે બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા માગ્યા હતા અને મેં તેમને એ રકમ આપી હતી. ત્યાર બાદ થોડા દિવસ પછી સાત લાખ રૂપિયા રૂપાલીને આપ્યા હતા અને એના અઠવાડિયા પછી દોઢ લાખ રૂપિયાની રકમ આપી હતી. આટલી રકમ આપ્યા બાદ થોડા દિવસ પછી તેણે બીજા બે લાખ રૂપિયાનું ઍડ્જસ્ટમેન્ટ કરવાનું જણાવ્યું હતું, પણ હવે પૈસાની અરેન્જમેન્ટ થશે નહીં એમ મેં રૂપાલીને જણાવ્યું હતું. આમ કુલ મળીને મેં તેમને ૧૧ લાખ પ૦ હજાર રૂપિયા આપ્યા હતા. રૂપાલીએ મને ઇન્ફિનિટી અપાર્ટમેન્ટમાં એ વિંગમાં ૧૯૮ ફ્લૅટ આપવાનો લેટર આપ્યો હતો. આ લેટર લઈને હું ત્યાં ગયો ત્યારે મને આ લેટર બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.’

ક્રિમિનલ રેકૉર્ડ

ડોંગરીમાં વાલપખાડી નવરાત્રિ મંડળને રૂપાલીએ એક લાખ રૂપિયાના દાગીના આપ્યા હતા એ ડુપ્લિકેટ નીકળ્યા હતા. આ ઉપરાંત રૂપાલી પર ચીટિંગનો કેસ પણ પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓની ધરપકડ વિશે ડોંગરી પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર બાબુસાહેબ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે આરોપી રૂપાલી બન્સોડે, લતા શિવરામેશ્વર, લલિત શિવરામેશ્વર, અમિત ઠાકુર, અમરદીપ સિંહ અને ચંદ્રકાન્ત સાવંત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ  નોંધી છે.’