ગૅસ રિપેરિંગ કરવા કોઈ આવે તો ૧૦૦ વાર વિચાર કરજો... તમે છેતરાઈ શકો છો

28 September, 2019 03:16 PM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

ગૅસ રિપેરિંગ કરવા કોઈ આવે તો ૧૦૦ વાર વિચાર કરજો... તમે છેતરાઈ શકો છો

ગેસ રિપેર કરાવતા પહેલા સાવધાન

 

મુંબઈ : ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં રહેતા સિનિયર સિટિઝન દંપતી સાથે અજાણ્યા ગઠિયાએ ગયા અઠવાડિયે ગૅસ રિપેર કરવાના બહાને છેતરપિંડી કરી હતી. દંપતી ઘરમાં એકલું રહેતું હોવાનો લાભ ઉઠાવીને ગઠિયાએ પોતાના કરતબ વડે ૭૪૦૦ રૂપિયા પડાવી લીધા હતા. પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં આવેલા વામન બિલ્ડિંગમાં રહેતા ૭૦ વર્ષના જગદીશચંદ્ર મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું અને મારાં પત્ની ઘરમાં એકલાં જ રહીએ છીએ. ગયા શનિવારે બપોરે દોઢેક વાગ્યે અમારા ઘરે મહાનગર ગૅસનો કર્મચારી છું અને તમારું ગૅસનું મીટર રીડિંગ કરવાનું છે કહીને આવ્યો હતો. સૌથી પહેલાં તો તેણે રસોડાના પ્લૅટફૉર્મ પર ચડીને મોબાઇલથી ફોટો પાડ્યા હતા. ત્યાર બાદ તેણે સૂંઘી જોયું હતું અને ગૅસ લીકેજ થતો હોવાનું તેણે કહ્યું હતું. એ દરમ્યાન તેણે દીવાસળી ચાંપીને ત્રણ ભડકા કર્યા હતા. ફરી પાછો મીટર પાસે જઈને તેણે દીવાસળી ચાંપી હતી જેને લીધે મોટો ભડકો થયો હતો. આ ભડકો જોઈને અમે હેબતાઈ ગયાં હતાં. આટલું કર્યા પછી તેણે અમને ચાર વાલ્વ બદલાવવાં પડશે અને એક વાલ્વની કિંમત ૧૮૫૦ હોવાનું કહ્યું હતું. આ વાલ્વ અમારી કંપનીનાં જ લેવાં પડશે અને જો તમે વાલ્વ બદલાવશો નહીં અને આગ લાગશે તો અમારી જવાબદારી નહીં. તેણે અમારી પાસેથી ચાર વાલ્વના ૭૪૦૦ રૂપિયા લીધા હતા અને ત્યાર બાદ અમને નકલી બિલ પકડાવી દીધું હતું. એ ગઠિયો ગયો ત્યાર પછી અમને ખબર પડી કે તેણે મીટર નજીક એક જ્વલનશીલ પદાર્થ નાખીને આ કરામત કરી હતી.’
મહાનગર ગૅસ કંપનીમાંથી આવેલો કર્મચારી બોગસ હોવાની ખાતરી થયા બાદ જગદીશચંદ્રએ આ સંદર્ભે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પંતનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ભાલેરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે અજાણી વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બપોરના સમયે તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે તો પૂરેપૂરી તકેદારી રાખીને તેને ઘરમાં પ્રવેશ આપવો એવી અપીલ અધિકારીએ કરી હતી.

mumbai ghatkopar Crime News mumbai crime news