ચૅટ-ફ્રેન્ડની ધમકીઓને વશ થઈ ગર્ભવતી બનેલી પત્નીની બેવફાઈ પતિએ ડીએનએ ટેસ્ટ દ્વારા જાણી

25 December, 2011 03:28 AM IST  | 

ચૅટ-ફ્રેન્ડની ધમકીઓને વશ થઈ ગર્ભવતી બનેલી પત્નીની બેવફાઈ પતિએ ડીએનએ ટેસ્ટ દ્વારા જાણી



બકુલેશ ત્રિવેદી

મુંબઈ, તા. ૨૫

ચૅટિંગના ચસ્કાને કારણે ચૅટ-ફ્રેન્ડ સાથે સંબંધ બાંધી બેઠેલી અને ત્યાર બાદ તેની ધમકીને વશ થઈને તેની સાથે સંબંધ રાખવા મજબૂર બનેલી મુલુંડની એક પરિણીતાને પતિનું ઘર છોડવું પડ્યું છે અને સખત ભીડમાં આવી પડી છે. એમ છતાં હિંમત ભેગી કરીને તેણે થોડા દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેની ફરિયાદના આધારે પોલીસે તે ચૅટ-ફ્રેન્ડની ધરપકડ પણ કરી છે. પોતાની સાથે થયું એવું અન્ય યુવતીઓ સાથે ન થાય એ માટે તેનું કહેવું છે કે ચૅટ-ફ્રેન્ડથી ચેતજો, જોજો એને કારણે ક્યાંક તમારી જિંદગી ધૂળધાણી ન થઈ જાય .

મુલુંડમાં રહેતી લોહાણા જ્ઞાતિની ૩૭ વર્ષની અંજલિ (નામ બદલ્યું છે) તેના પતિ અવિનાશ (નામ બદલ્યું છે) સાથે સુખી હતી અને તેમનું લગ્નજીવન પણ સારું ચાલી રહ્યું હતું. જોકે તેમને બાળકો નહોતાં. એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતી અંજલિ ઑફિસમાં કમ્પ્યુટર પર ચૅટ કરતી વખતે સમીર કારિયા સાથે ૨૦૦૫માં સંપર્કમાં આવી હતી. ત્યાર બાદની તેણે કરેલી ભૂલો વિશે જણાવતાં અંજલિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમીર મુલંડમાં જ રહે છે અને કચ્છી લોહાણા જ્ઞાતિનો જ છે. અમારી વચ્ચે ફેન્ડશિપ થઈ હતી. મુલુંડમાં જ રહેવા છતાં અમે પહેલાં કેટલાક મહિના માત્ર ચૅટ-ફ્રેન્ડ જ હતા, પણ ત્યાર બાદ એક વાર મળ્યા અને પછી અવારનવાર મળતાં રહ્યાં. એક દિવસ એકાંત મળતાં અમે શારીરિક સંબંધ બાંધી બેઠાં હતાં. જોકે ત્યાર બાદ મને પસ્તાવો થયો હતો, પણ સમીર મને એ સંબંધની વાત મારા પતિ અવિનાશને કહી દેશે એમ કહીને ધમકી આપ્યા કરતો અને સંબંધ રાખતો હતો.’

પતિને તેના આ સંબંધની ખબર પડી જશે તો તે તેને છોડી દેશે એ વિચારીને અંજલિ તેને કશું જણાવતી નહીં અને સમીર જ્યારે કહે ત્યારે તેને તાબે થઈ જતી હતી એમ અંજલિનું કહેવું છે. ત્રણ વર્ષ પહેલાં અંજલિએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે તેને પણ અંદાજ નહોતો કે એ બાળકનો પિતા કોણ છે. એ વિશે જણાવતાં તેણે કહ્યું હતું કે ‘૨૦૧૦માં અવિનાશને મારા અને સમીર વચ્ચેના સંબંધોની જાણ થઈ હતી. તેણે શંકા જતાં પોતાની અને બાળકની મારી જાણ બહાર ડીએનએ ટેસ્ટ કરાવી અને એમાં જણાઈ આવ્યું કે એ બાળક અવિનાશ સાથેના મારા સંબંધોનું પરિણામ નહોતું. અમારા જીવનમાં ખળભળાટ મચી ગયો. અવિનાશને જાણ થઈ હોવા છતાં તેણે મારો કે મારા બાળકનો તિરસ્કાર કર્યો નહોતો અને અમે સાથે જ રહેતાં હતાં. હું તેની સાથે નજર મિલાવી શકતી નહોતી. ત્યાર બાદ હું બહુ જ સ્ટેન્સમાં રહેતી હતી, પણ આખરે સમીરને તેના કર્યાની સજા મળવી જ જોઈએ એમ વિચારીને મેં તેની સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યારે જોકે હું અવિનાશને છોડીને મારા બાળક સાથે અલગ રહું છું.’

પોલીસની કાર્યવાહી
થોડા દિવસ પહેલાં અંજલિએ આ બાબતે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં સમીર વિરુદ્ધ વિનયભંગનો અને બળાત્કારનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મુલુંડ પોલીસે સમીરની ધરપકડ કરી હતી. અત્યારે સમીરને ૩૧ ડિસેમ્બર સુધી જેલ-કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.