વધુ એક ગુજરાતી બન્યાં સાઇબર ફ્રૉડનો શિકાર

02 December, 2022 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારી બૅન્ક-ડીટેલ, ઓટીપી, પિન-નંબર કોઈની સાથે શૅર ન કરો અને સાઇબર ફ્રૉડનો ભોગ બનો તો તરત જ પોલીસનો સંપર્ક કરો : ચારકોપમાં બનેલા આવા જ એક બનાવમાં સાઇબર ગઠિયાએ એક યુવતીના ૯૩,૮૯૯ રૂપિયા પડાવી લીધા, પણ તરત ફરિયાદ કરતાં પોલીસે બચાવી લીધા

ચારકોપ પોલીસ સ્ટેશનની સાઇબર ટીમ સાથે ફરિયાદી જિજ્ઞા જાની.

મુંબઈ : ચારકોપમાં રહેતાં જિજ્ઞા જાનીને છેતરીને સાઇબર ગઠિયાએ ૯૩,૮૯૯ રૂપિયા પડાવી લીધા હતા, પણ તરત જ તેમણે ચારકોપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરતાં પોલીસે ૨૪ કલાકની અંદર જ આ રકમ ગઠિયાના અકાઉન્ટમાંથી અન્યત્ર ડાયવર્ટ કરાય એ પહેલાં બચાવી લીધી હતી.

ચારકોપમાં રહેતાં જિજ્ઞા જાનીએ ૨૭ નવેમ્બરે શૉપસી ઍપ્લિકેશન પર કેટલાંક કપડાંનો ઑર્ડર આપ્યો હતો. જોકે એ ઑર્ડર ત્યાર બાદ ટ્રેસ નહોતો થઈ રહ્યો એટલે ૨૮મીએ તેમણે ગૂગલ પર શૉપસીનો કૉન્ટૅક્ટ-નંબર સર્ચ કરતાં એક નંબર મળ્યો જેના પર તેમણે કૉલ કર્યો હતો. ત્યારે સામેના માણસે એવું જતાવ્યું કે તે શૉપસીમાંથી બોલી રહ્યો છે. ત્યાર બાદ તેણે જિજ્ઞા જાનીને કહ્યું કે તમે એક કામ કરો કે માત્ર ૧૦ રૂપિયા હું કહું છું એ અકાઉન્ટમાં જમા કરાવો, જેથી તમારો ઑર્ડર રિફ્લેક્ટ થઈ જશે. આમ કહીને તેણે તેમના ડેબિટ કાર્ડની ડીટેલ્સ લીધી હતી. જિજ્ઞા જાનીએ તેને ડીટેલ્સ આપી હતી. એ પછી જિજ્ઞા જાનીએ તેણે કહેલા અકાઉન્ટમાં ૧૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડી વાર બાદ તેમને તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી બે ટ્રાન્ઝૅક્શનમાં ૫૫,૯૦૦ રૂપિયા અને ૩૭,૯૯૯ રૂપિયા ડેબિટ થઈ ગયા હોવાનો મેસેજ બૅન્ક તરફથી આવ્યો હતો. એટલે જિજ્ઞા જાનીને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે સાઇબર ફ્રૉડ થયું છે. એથી તેમણે તરત જ ચારકોપ પોલીસ સ્ટેશનમાં જઈ આ બાબતે ફરિયાદ કરી હતી.

ચારકોપ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મનોહર શિંદેએ આ બાબતે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ જિજ્ઞા જાનીએ અમારો સંપર્ક કરીને અમને ફરિયાદ કરી હતી. અમે ફરિયાદ નોંધીને અમારા સાઇબર ક્રાઇમના ઑફિસર પીએસઆઇ તેજાળે અને તેમની ટીમને તપાસ કરવા કહ્યું હતું. તેમણે બૅન્કમાંથી આવેલા એસએમએસના આધારે એ રકમ કોને ટ્રાન્સફર થઈ છે એ જાણ્યું હતું અને ત્યાર બાદ શૉપસીની ઑથોરાઇઝ્ડ વેબસાઇટ અને એ પછી તેમના યુપીઆઇ પેમેન્ટ માટે નિમાયેલા નોડલ એક્ઝિક્યુટિવનો સંપર્ક કરીને અમે તેમને વિગતો આપી હતી. એથી તેમણે એ બાબતે ઝડપી પગલાં લઈને એ રકમ અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સફર થાય એ પહેલાં રોકી લીધી હતી અને કુલ ૯૩,૮૯૯ રૂપિયા ફરિયાદી જિજ્ઞા જાનીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.’

સિનિયર પીઆઇ મનોહર શિંદેએ કહ્યું હતું કે ‘લોકોએ જાગૃત થવાની જરૂર છે. કોઈ પણ અજાણી વ્યક્તિને ઓટીપી કે પછી ડેબિટ કાર્ડની ડીટેલ આપવી નહીં. જો બહુ જ જરૂરી જણાય તો બૅન્કને ફોન કરી વિગતો ચકાસીને પછી જ રકમ ટ્રાન્સફર કરવી. એમ છતાં પણ જો તમારી સાથે છેતરપિંડી થાય અને રકમ ટ્રાન્સફર થઈ જાય તો તરત જ અમારો સંપર્ક કરવો. કેટલાક કેસમાં એ રકમ બૅન્ક દ્વારા ૨૪ કલાક પછી સામેવાળાના અકાઉન્ટમાં જમા થતી હોય છે એટલે એ રકમ અટકાવી શકાય છે. તેથી જો તરત જ ફરિયાદ કરાય તો તમારા રૂપિયા બચી જાય એવી શક્યતા વધુ હોય છે. એમ છતાં તમારી બૅન્ક-ડીટેલ, ઓટીપી, પિન-નંબર કોઈને શૅર ન કરો એમાં જ તમારી ભલાઈ છે, સુરક્ષા છે.’  

mumbai mumbai news charkop cyber crime