નવી મુંબઈમાં મહિલા નગરસેવિકાઓએ ડેપ્યુટી મેયરને ચંપલથી માર્યા

11 October, 2012 05:56 AM IST  | 

નવી મુંબઈમાં મહિલા નગરસેવિકાઓએ ડેપ્યુટી મેયરને ચંપલથી માર્યા

આ સંઘર્ષમાં વિરોધ પક્ષના નગરસેવકોએ મેયર સાગર નાઈકને ધક્કે ચડાવ્યા હતા, જ્યારે વિરોધ પક્ષની મહિલા નગરસેવિકાઓએ ડેપ્યુટી મેયર ભરત નખાતેને ચંપલથી માર્યા હતા અને સુધરાઈના કમિશનરને બંગડીઓ આપી હતી. છેવટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દરમ્યાનગીરી કરતાં મામલો થાળે પડ્યો હતો. શિવસેના અને કૉન્ગ્રેસની મહિલા નગરસેવિકાઓએ ડેપ્યુટી મેયર ભરત નખાતે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગયા અઠવાડિયાથી નવી મુંબઈના રસ્તાઓની સફાઈ માટે સુધરાઈએ આઠ કરોડ રૂપિયાના ખર્ચે‍ લીધેલાં સ્વીપિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મશીનો દ્વારા પામ બીચ રોડ અને થાણે-બેલાપુર રોડની સફાઈ કરવામાં આવશે. સુધરાઈએ આ મશીન ઑપરેટ અને મેઇન્ટેઇન કરવા કૉન્ટ્રૅક્ટ આપ્યા છે અને સુધરાઈ તેમને સાત વર્ષ આ કામ માટે ૫૪ કરોડ રૂપિયા ચૂકવવાની છે. આ મુદ્દે વિરોધ પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા ત્યાર બાદ સભાગૃહની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા ત્યારે સભાગૃહની અંદર સત્તાધારી પક્ષ એનસીપીના સભ્યોની બહુમતી હોવાથી સભાનું કામકાજ બહુમતીના જોરે ચાલુ રહ્યું હતું. એથી સુધરાઈની સભા પતી ત્યારે સત્તાધારી એનસીપી અને વિરોધ પક્ષ શિવસેના અને કૉન્ગ્રેસના નગરસેવકો વચ્ચે પહેલાં બોલાચાલી અને પછી ધક્કામુક્કી થઈ હતી. વિરોધ પક્ષની નગરસેવિકાએ ત્યાર બાદ ડેપ્યુટી મેયરને ચંપલ પણ માર્યા હતા.’ 

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી