સાહિત્યકાર ચંદુલાલ સેલારકાનું અવસાન

30 November, 2012 06:01 AM IST  | 

સાહિત્યકાર ચંદુલાલ સેલારકાનું અવસાન



ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એવા મોટા ગજાના સાહિત્યકાર ૮૨ વર્ષના ચંદુલાલ સેલારકાનું ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યે ઘાટકોપરમાં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. સદ્ગતના પરિવારમાં બે પુત્રો મિહિર અને ઉજાસ તથા પુત્રી દિશાનો સમાવેશ છે. તેમનો વિદેશમાં રહેતો પુત્ર મિહિર આજે આવે એ પછી સદ્ગતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મિહિરનો પરિવાર આજે સવારે સિંગાપોરથી મુંબઈ આવવા રવાના થયો છે. જ્યારે મિહિરની ફ્લાઇટ બપોરે દોઢ વાગ્યા બાદ મુંબઈ પહોંચે એવી શક્યતા છે. તેઓ ઘાટકોપર (ઈસ્ટ)માં તિલક રોડ પરના મનુભાઈ પી. વૈધ માર્ગ પરના સેલારકા સદન બિલ્ડિંગમાં બીજા માળે તેમના પુત્ર ઉજાસ સાથે રહેતા હતા.

શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિના ચંદુભાઈનો જન્મ ગુજરાતના પોરબંદર પાસે એક નાના ગામમાં ૧૯૩૦ની ૨૯ ડિસેમ્બરે થયો હતો. ચંદુભાઈ છેલ્લાં ૭૦ વર્ષથી ઘાટકોપરમાં રહેતા હતા. તેઓ ઘાટકોપરની ગુરુકુળ ગુજરાતી સ્કૂલમાં ભણ્યા હતા અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યા હતા. તેઓ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પણ હતા અને તેમનાં માતુશ્રી રંભાબહેન ભગવાનજીભાઈ સેલારકાના નામે સ્કૂલમાં મોટી રકમનું દાન પણ આપ્યું હતું. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ રિટાયર્ડ લાઇફ જીવી રહ્યા હતા.

સાહિત્યકાર દિનકર જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચંદુભાઈની પહેલી ટૂંકી વાર્તા ૧૯૫૦-’૫૨ના અરસામાં પ્રકાશિત થઈ હતી, પણ પહેલી નવલકથા ‘ભીતર સાત સમંદર’ ૧૯૫૫માં સાપ્તાહિક ચિત્રલેખામાં શરૂ થઈ હતી. આ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પણ મળ્યું હતું. તેમણે ૨૦થી ૨૫ નવલકથા અને આશરે ૩૫૦ ટૂંકી વાર્તાઓ લખી હતી.’

મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટીની યુતિ સરકાર વખતે પહેલી વાર મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે તેઓ એના ચૅરમૅન તરીકે નિયુક્ત થયા હતા. ઘાટકોપરમાં લાયન્સ ક્લબ ઑફ ઘાટકોપરની સ્થાપના કરનારા ફાઉન્ડર મેમ્બરોમાં તેમનો સમાવેશ થતો હતો. ‘મુંબઈ સમાચાર’માં તેમની કૉલમ ‘કલરવ અને કોલાહલ’ ૧૫ વર્ષ સુધી દર શનિવારે પ્રકાશિત થતી હતી.