રાજ-ઉદ્ધવને એક કરવાનું મેં બાળ ઠાકરેને વચન આપ્યું છે

20 November, 2012 05:47 AM IST  | 

રાજ-ઉદ્ધવને એક કરવાનું મેં બાળ ઠાકરેને વચન આપ્યું છે




ઠાકરેપરિવારમાં ચંદુમામા તરીકે જાણીતા ચંદ્રકાન્ત વૈદ્ય સાથે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની અંતિમયાત્રા બાદ ‘મિડ-ડે’એ વાતચીત કરી હતી. સ્વર્ગસ્થ બાળ ઠાકરેના તેઓ સાળા અને ઉદ્ધવ તથા રાજ ઠાકરેના સગા મામા છે. ઉદ્ધવની માતા મીનાતાઈ તેમ જ રાજની માતા કુંદાતાઈના તેઓ સગા ભાઈ છે. ચંદુમામાએ કહ્યું હતું કે ‘મેં બાળ ઠાકરેને વચન આપ્યું છે કે મરાઠી માણૂસના હિત માટે હું ઉદ્ધવ તથા રાજને ભેગા કરીશ. સાહેબ માટે ઉદ્ધવ તથા રાજ એક જ હતા. રાજ જ્યારે તેમને છોડીને ચાલ્યો ગયો હતો ત્યારે તેની તેમને ઘણી ખોટ સાલી હતી. બન્ને ભાઈઓ અલગ થયા ત્યારથી તેમને ભેગા કરવાના પ્રયત્નો તેઓ કરતા રહ્યા હતા, પરંતુ તેમનું એ સપનું પૂરું ન થઈ શક્યું. તેમના અંતિમ સંસ્કાર વખતે મેં એવી પ્રાર્થના કરી છે કે બન્ને પિતરાઈને ભેગા કરવા માટેના બનતા તમામ પ્રયત્નો હું કરીશ. જો હું સફળ થઈશ તો એ જ મેં સાહેબને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હશે.’

ચંદુમામાએ કહ્યું હતું કે ‘તેમણે શિવસેના શરૂ કર્યા બાદ સાઉથ ઇન્ડિયન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. એક દક્ષિણ ભારતીય યુવતી સાથે મારાં લગ્નનું સમર્થન કરનારા અમારા બન્ને પરિવારોમાં તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. તેમને કારણે જ મારાં લગ્ન થયાં હતાં. આ લગ્ન કરવા માટે તેમણે રજિસ્ટ્રારને ઘરે બોલાવ્યો હતો.’

બાળ ઠાકરેનાં ૧૯૪૭માં લગ્ન થયાં ત્યારે ચંદુમામા માત્ર ત્રણ વર્ષના હતા. ચંદુમામાની દસમાની પરીક્ષા વખતે બાળ ઠાકરે ટિફિન લઈને જતા હતા.