હજી ચારેક દિવસ વરસાદ પડવાની શક્યતા

21 September, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન વિભાગે ગઈ કાલથી આકાશમાંથી વાદળાં ગાયબ થવાની આગાહી કરેલી, પરંતુ બપોર બાદ અચાનક ફરી વરસાદ શરૂ થયો

મરીન ડ્રાઇવ પર વરસાદી વાતાવરણનો આનંદ લઈ રહેલા મુંબઈગરાઓ. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચારેક દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે. આશિષ રાજે


મુંબઈ ઃ હવામાન વિભાગને આ મહિનાની શરૂઆતમાં આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું પંદર દિવસ વહેલું એટલે કે ૧૫ સપ્ટેમ્બરની આસપાસ વિદાય લેશે. જોકે ચોમાસાને વિદાય થવાનું ગમતું નથી એવું લાગી રહ્યું છે. ગઈ કાલથી વરસાદનાં વળામણાં થવાની શક્યતા હતી એની વચ્ચે ગઈ કાલે બપોર બાદ ફરી આકાશમાં વાદળાં ઘેરાયાં હતાં અને સાંજ પડતાં સુધીમાં તો ઝરમર વરસાદ પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો. 
હવામાન વિભાગે ગઈ કાલે આગાહી કરી હતી કે બંગાળના મહાસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાતાં આગામી ચારેક દિ‍વસ વિદર્ભના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદ થઈ શકે છે. વાતાવરણમાં આવેલા આ ફેરફારની અસર મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળશે. 
મુંબઈની વાત કરીએ તો ગઈ કાલે સવારના આકાશ ખુલ્લું રહ્યું હતું અને કેટલોક સમય તડકો પણ નીકળ્યો હતો. આથી લાગ્યું હતું કે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હવે વરસાદ વિદાય લેશે, પરંતુ બપોર બાદ અચાનક હવામાન બદલાયું હતું અને સાંજે તો ઝરમર વરસાદ પણ પડ્યો હતો.

mumbai news mumbai rains