શિવસેનાના પ્રમુખનો પડછાયો બનીને રહ્યો નેપાલનો ચંપાસિંહ થાપા

19 November, 2012 04:09 AM IST  | 

શિવસેનાના પ્રમુખનો પડછાયો બનીને રહ્યો નેપાલનો ચંપાસિંહ થાપા

શિવસેનાના ભાંડુપના તત્કાલીન નગરસેવક કે. ટી. થાપાના સંપર્કમાં આવ્યા બાદ તેને માતોશ્રી તથા શિવસેનાના પ્રમુખના સેવક તરીકે કામ મળ્યું હતું. બાળ ઠાકરેનું જમવાનું, દવાઓ જેવી વાતો થાપાએ જાણી લીધી હતી એટલે તે થોડા સમયમાં જ તેમનો રક્ષક બની ગયો હતો. થાપાના સ્વભાવ અને તેની કામ કરવાની પ¢તિને કારણે બાળ ઠાકરે તેને ઘણો પ્રેમ કરતા હતા એટલે મીનાતાઈ બાદ શિવસેનાના પ્રમુખની કાળજી લેનારી બીજી વ્યક્તિ તરીકે થાપા ગણાતો. બાળ ઠાકરેના છેલ્લા શ્વાસ સુધી થાપા તેમનો પડછાયો બની રહ્યો હતો.

શિવસેનાના પ્રમુખની રૂમ પાસે જ થાપાની નાનકડી રૂમ છે. થાપા બાળ ઠાકરેના સવારે ઊઠવાથી લઈને રાત્રે સૂવા સુધીની બધી જ ક્રિયાઓમાં મદદ પૂરી પાડતો હતો. થાપાને ત્રણ છોકરાઓ અને એક છોકરી છે. બે પુત્રોની નેપાલમાં મેડિકલની દુકાન છે અને એક પુત્ર દુબઈમાં રહે છે. થાપાનું કુટુંબ નેપાલમાં હોવા છતાં તેનું સર્વસ્વ માતોશ્રી જ છે. બાળ ઠાકરેના જન્મદિવસે થાપા નેપાલથી દર વર્ષે રુદ્રાક્ષ લાવતો અને જાપ કરીને એ લોકોમાં વહેંચી દેતો. નેપાલમાં થાપા શિવસૈનિકોને પણ ઘણો સપોર્ટ આપતો.

બાળ ઠાકરે મુંબઈની બહાર જતા ત્યારે તેમની બૅગ ભરવાનું અને જરૂરી વસ્તુઓ પૅક કરી છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ પણ થાપા કરતો. 

શિવસેનાના વ્યસ્ત કાર્યક્રમોને કારણે થાપા માટે નેપાલ જવું ઘણી વાર શક્ય બનતું નહોતું એટલે બે વર્ષમાં એક વખત તે નેપાલ જતો. બાળ ઠાકરેને મળવા આવનારાં મંડળો પણ થાપાને દિવાળી જેવા તહેવારોમાં ગિફ્ટ આપતાં. આ ગિફ્ટ થાપા સાચવી રાખતો અને નેપાલ જતો ત્યારે સાથે લઈ જતો. આ ગિફ્ટ એટલીબધી હતી કે તેને ટ્રેનનો એક આખો ડબ્બો બુક કરાવવો પડતો. આ ગિફ્ટ થાપા નેપાલમાં જઈને લોકોને વહેંચી દેતો. આપણા ગામનો માણૂસ શિવસેનાપ્રમુખ જેવા મોટા નેતાની સૌથી નજીક છે એનું ગર્વ ગામવાળાઓને આજે પણ છે.