રવિવારે શહેરમાં ચેઇન-સ્નૅચિંગના છ બનાવ

23 October, 2012 05:10 AM IST  | 

રવિવારે શહેરમાં ચેઇન-સ્નૅચિંગના છ બનાવ

પહેલો બનાવ સાંતાક્રુઝમાં લક્ષ્મી માર્કેટ સેન્ટર પાસે બન્યો હતો. વાકોલા બ્રિજ પાસે રહેતી ૫૦ વર્ષની સુવર્ણા રેવાળે પતિ સાથે ઘરે જઈ રહી હતી ત્યારે મોટરબાઇક પર આવેલા બે માણસો તેના ગળામાં રહેલું ૧,૩૦,૦૦૦ રૂપિયાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી છૂટ્યાં હતા. બીજા બે બનાવ સાયનમાં બન્યા હતા. એમાં સાયન રેલવે-સ્ટેશન પાસે આવેલા ગુરુ તેગ બહાદુર નગરનગરમાં રહેતો ૩૦ વર્ષનો ભાવેશ ગુલાબચંદ સાંજે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે બે માણસોએ તેની કાર સાથે તેમની મોટરબાઇક ઠોકી દીધી હતી અને ઝઘડો કરવાના બહાને તેના ગળામાંથી ત્રણ તોલા વજનની ૯૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યાં હતા.

સાયનમાં બીજો બનાવ નવી મુંબઈના નેરુળમાં રહેતી અને તાતા હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી ૨૫ વર્ષની અશ્વિની ખાંડે સાથે બન્યો હતો. તેના ઘરમાં આઠ દિવસ પહેલાં જ જોડાયેલા નોકરે તેના મિત્ર સાથે મળીને તેની સોનાની ચેઇન અને પર્સ લૂંટી લીધાં હતાં. અશ્વિની રવિવારે રાતે સાયનમાં ભાવના બાર જંક્શન પાસે બ્રિજ નીચે કોલ્હાપુર જવા માટે ટ્રાવેલ-બસની રાહ જોતી ઊભી હતી ત્યારે તેના ઘરમાં કામ કરનારો રવીન્દ્ર પાટીલ તેના એક મિત્ર સાથે સ્કૂટર પર આવ્યો હતો અને અશ્વિનીના ગળામાંથી સોનાની ચેઇન સહિત તેના હાથમાં રહેલું પર્સ ખેંચીને ભાગી છૂટ્યો હતો. આ પર્સમાં બૅન્કના એટીએમ કાર્ડ સહિત ૭૫ હજાર રૂપિયા રોકડા હતા.

ચેઇન આંચકી જવાના અન્ય બે બનાવ બોરીવલીમાં બન્યા હતા. એમાં બોરીવલીમાં ગોરાઈ-૨માં સાર્થક સોસાયટીમાં રહેતી ૪૯ વર્ષની શીલા પવાર રવિવારે વહેલી સવારે દૂધ લેવા ગઈ હતી ત્યારે તેના બિલ્ડિંગની આગળ જ મોટરબાઇક પર આવેલા બે માણસો તેના ગળામાં રહેલી ૨૭ ગ્રામ વજનની સોનાની ૪૦ હજાર રૂપિયાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યાં હતા.

બોરીવલીમાં બીજો બનાવ એલઆઇસી કૉલોનીમાં રહેતી ૨૩ વર્ષની અશ્વિની પાવડે સાથે બન્યો હતો. અશ્વિની રવિવારે રાતે બોરીવલી સ્ટેશનથી રિક્ષામાં બેસીને ઘરે જઈ રહી હતી ત્યારે સિગ્નલ પાસે રિક્ષા અચાનક ઊભી રહી ગઈ હતી જેનો લાભ લઈને એક માણસ તેના ગળામાંથી ૨૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યો હતો. ચેઇન ખેંચવાનો છઠ્ઠો બનાવ ઍન્ટૉપ હિલમાં બન્યો હતો. એમાં ઘોડબંદરમાં રહેતી ૩૦ વર્ષની મયૂરા મઝુમદાર નામની યુવતી રવિવારે સાંજે ઍન્ટૉપ હિલમાં રાવજી ધનાત્રા માર્ગ પર રસ્તે ચાલીને જઈ રહી હતી એ દરમ્યાન મોટરબાઇક પર આવેલા બે યુવકો તેના ગળામાં રહેલી સોનાની બે તોલાની ૫૦ હજાર રૂપિયાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યાં હતા.

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન

એલઆઇસી = લાઇફ ઇશ્યૉરન્સ કૉર્પોરેશન