ગુજરાતી સહિત છ મહિલાની ચેઇન ખેંચાઈ

06 September, 2012 05:07 AM IST  | 

ગુજરાતી સહિત છ મહિલાની ચેઇન ખેંચાઈ

પહેલા બનાવમાં સાયનમાં અંબિકા કૃપા બિલ્ડિંગમાં રહેતાં ૬૫ વર્ષનાં સિનિયર સિટિઝન ગુજરાતી મહિલા સરલા ગિરજાશંકર ત્રિવેદી ઘરની બહાર રસ્તા પર ટૅક્સીમાંથી ઊતરીને ચાલીને ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બિલ્ડિંગના ગેટ પર ઊભેલો એક માણસ તેમના ગળામાં રહેલી દસ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યો હતો. બીજો બનાવ ગોવંડીમાં રહેતાં ૬૫ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલા વીણા બાવા સાથે બન્યો હતો. વીણા બાવા મંગળવારે સાંજે વૉક કરીને પોતાના ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે યુવકોમાંના એક જણે તેમના ગળામાં રહેલી ૫૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન આંચકી લીધી હતી અને પછી ભાગી છૂટ્યાં હતા. ત્રીજો બનાવ તાડદેવમાં રહેતી ૪૫ વર્ષની શાંતા શામપ્પી નામની મહિલા સાથે બન્યો હતો. શાંતા શામપ્પી મંગળવારે રાતે પેડર રોડ પર જસલોક હૉસ્પિટલ પાસે ચાલતી-ચાલતી જઈ રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે યુવકો તેને ધક્કો મારી તેના ગળામાં રહેલી ૩૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન આંચકીને ભાગી છૂટ્યાં હતા. ચોથો બનાવ ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનની હદમાં બન્યો હતો. એમાં ૪૮ વર્ષની ઝુબેદા ઇસ્માઇલ નામની મહિલા રસ્તે ચાલતી જઈ રહી હતી ત્યારે રાતના બાર વાગ્યાની આસપાસ એક શખ્સે તેને ધક્કો મારીને પાડી દીધી હતી અને તેના ગળામાં રહેલી ૪૫ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યો હતો.

ગઈ કાલે પહેલો બનાવ પંતનગર પોલીસ-સ્ટેશનની હદમાં બન્યો હતો. ઘાટકોપર બસડેપો પાસે આવેલી ઉદ્યાન સોસાયટીમાં રહેતાં ૫૪ વર્ષનાં શૈલજા શાસ્ત્રી રસ્તે ચાલતાં જઈ રહ્યાં હતાં ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે તસ્કરો તેમના ગળામાં રહેલી ૬૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યાં હતા. બીજો બનાવ માહિમ પોલીસ-સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં ૪૬ વર્ષની સંધ્યા પાટીલ નામની મહિલા મચ્છીમાર કૉલોની પાસે રસ્તે ચાલતી જઈ રહી ત્યારે મોટરસાઇકલ પર આવેલા તસ્કરોએ તેના ગળામાં રહેલી ૩૦ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યાં હતા.