ચાચી ૪૨૦ના કેસમાં પોલીસ તપાસની ગોકળગાયની ગતિથી ફરિયાદીઓ નારાજ

09 February, 2021 12:05 PM IST  |  Mumbai | Mehul Jethva

ચાચી ૪૨૦ના કેસમાં પોલીસ તપાસની ગોકળગાયની ગતિથી ફરિયાદીઓ નારાજ

રૂપલ પંડ્યા

દુબઈમાં કસીનોમાં પૈસા હારી ગયેલા પુત્રને છોડાવવાના નામ પર મુલુંડના ૨૪ લોકો સાથે બે કરોડથી પણ વધારે રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર મુલુંડ પોલીસે દસ દિવસ પહેલાં રૂપલ પંડ્યા નામની મહિલાની ધરપકડ કરી હતી. જોકે નવાઈની વાત એ છે કે આ કેસમાં પોલીસે આરોપીની ત્રીજી વાર પોલીસ કસ્ટડી લઈ લીધી, પણ હજી સુધી ચોવીસમાંથી ફક્ત છ ફરિયાદીનાં જ સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં છે. ટૂંકમાં કહીએ તો પોલીસની ગોકળગાયની ગતિએ ચાલી રહેલી તપાસથી નારાજ ફરિયાદીઓએ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને મળીને આની ફરિયાદ પણ કરી હતી તેમ જ તેમણે એવો આરોપ મૂક્યો હતો કે પોલીસ આરોપીને કસ્ટડીમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપી રહી છે. 

આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે છેતરપિંડીનો ભોગ બનનારાઓને કહ્યું હતું કે તમારું સ્ટેટમેન્ટ આવતા બેથી ત્રણ દિવસમાં લેવામાં આવશે. જોકે દસ દિવસ થઈ ગયા હોવા છતાં માત્ર ૬ જણનાં સ્ટેટમેન્ટ તપાસ અધિકારીએ નોંધ્યાં છે. એ ઉપરાંત ગુનામાં સામેલ મહિલાના દીકરા ઈશાન પંડ્યાનો મોબાઇલ ચાલુ હોવા છતાં પોલીસ તેની ધરપકડ કરી શકી ન હોવાનો આરોપ પણ ફરિયાદીઓએ કર્યો છે.

ફરિયાદીઓએ ડીસીપીને કહ્યું હતું કે ‘આરોપીને કસ્ટડીમાં ફોન વાપરવા દેવામાં આવે છે. જો આ કેસના સહઆરોપી અને રૂપલ પંડ્યાના પુત્રને જલદી પકડવામાં નહીં આવે તો તે ભાગી જશે.’

ફરિયાદી અતુલ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ૧૧ લાખ રૂપિયા રૂપલે લીધા હતા જે મને પાછા મળ્યા નથી. આ સંબંધી હું પણ ફરિયાદ કરવા ગયો હતો. જોકે પોલીસ રોજ આજ  આજકાલ કરી રહી છે. મારું સ્ટેટમેન્ટ હજી સુધી લેવાયું નથી. એ ઉપરાંત આરોપી મહિલાના દીકરાનો ફોન ચાલુ હોવા છતાં પોલીસ તેને પકડતી નથી. આનો અમારે શું અર્થ સમજવો?’

ફરિયાદી કોમલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા રૂપલ પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના બાકી છે. હું પણ કોઈક જગ્યા પર જૉબ કરું છું. પોલીસે ૯ દિવસ થયા હોવા છતાં મારું સ્ટેટમેન્ટ લીધું નથી. એ ઉપરાંત આરોપી મહિલાને મુલુંડ પોલીસ સ્ટેશનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળતી હોવાથી અમે ડીસીપીને પણ આ બાબતે કહ્યું હતું.’

આ પણ વાંચો: ચાચી ૪૨૦

આરોપ વિશે ડીસીપીએ શું કહ્યું?

મુંબઈ પોલીસ ઝોન-સાતના ડીસીપી પ્રશાંત કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બહુ જ જલદી તમામ ફરિયાદીઓનાં સ્ટેટમેન્ટ નોંધી લઈશું. આરોપી મહિલાને અમે કોઈ વીઆઇપી ટ્રીટમેન્ટ નથી આપી રહ્યા. જ્યાં સુધી મહિલાના દીકરાને પકડવાની વાત છે તો હું તમને કહી દઉં કે બહુ જલદી અમે તમને આ બાબતે કોઈ સમાચાર આપી શકીશું. આ સંબંધી તપાસ હાથ ધરાઈ છે. જલદી આરોપીને પકડવામાં અમને સફળતા પ્રાપ્ત થશે. હાલમાં આરોપી મહિલાને ૧૧ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.’

mumbai mumbai news Crime News ghatkopar kalyan mehul jethva