મધ્ય રેલવેની રાજધાની એક્સપ્રેસ ૩૦ ડિસેમ્બરથી દોડશે

24 December, 2020 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મધ્ય રેલવેની રાજધાની એક્સપ્રેસ ૩૦ ડિસેમ્બરથી દોડશે

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઉભી રહેલી રાજધાની એક્સ્પ્રેસની ફાઈલ તસવીર

મુંબઈ અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશનો વચ્ચે અઠવાડિયાના ચાર દિવસ દોડતી મધ્ય રેલવેની રાજધાની એક્સપ્રેસ ટ્રેન આગામી ૩૦ ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે. કોરોના રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે માર્ચ મહિનાથી એ ટ્રેનની સર્વિસ બંધ કરવામાં આવી હતી.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ૩૦મીથી ટ્રેન નંબર ૦૧૨૨૧ રાજધાની સ્પેશ્યલ ટ્રેન અઠવાડિયાના સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે સાંજે ૪.૧૦ વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનસથી રવાના થશે અને બીજે દિવસે સવારે ૧૧ વાગ્યે દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર પહોંચશે. વળતી દિશામાં ૦૧૨૨૨ રાજધાની સ્પેશ્યલ ટ્રેન ૩૧ ડિસેમ્બરથી દર મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે સાંજે ૪.૫૫ વાગ્યે હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી રવાના થઈને બીજે દિવસે સવારે ૧૧.૫૫ વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશને પહોંચશે. ૧૯ કોચની ટ્રેન બન્ને દિશામાં કલ્યાણ, નાશિક રોડ, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગરા કૅન્ટોનમેન્ટ સ્ટેશનો પર થોભશે. ૦૧૨૨૧ રાજધાની સ્પેશ્યલ ટ્રેનનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. એ ટ્રેનમાં ફક્ત કન્ફર્મ્ડ ટિકિટ્સ ધરાવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

mumbai mumbai news central railway rajdhani express