સેન્ટ્રલ રેલવે બોગસ આઇડી કાર્ડથી સફર કરનારાઓ સામે ફરિયાદ નોંધશે

30 September, 2020 07:48 AM IST  |  Mumbai | Agency

સેન્ટ્રલ રેલવે બોગસ આઇડી કાર્ડથી સફર કરનારાઓ સામે ફરિયાદ નોંધશે

ફાઈલ તસવીર

સેન્ટ્રલ રેલવેએ હાલમાં મુંબઈમાં માત્ર જરૂરી સેવાઓના સ્ટાફ માટે જ દોડી રહેલી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે બનાવટી આઇડી કાર્ડનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાનો નિર્ણય લીધો હોવાનું રેલવે અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

લોકલ ટ્રેનોમાં ભીડ થતી હોવાની ફરિયાદોની વચ્ચે સીઆર (સેન્ટ્રલ રેલવે)ના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધીમાં તેમણે ૩૦ વ્યક્તિઓને બોગસ આઇડી કાર્ડ સાથે પકડ્યા છે અને તેમાંની બે વ્યક્તિ સામે એફઆઇઆર નોંધાવવામાં આવ્યો છે.

ભવિષ્યમાં બોગસ આઇડી કાર્ડ સાથે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારા લોકો વિરુદ્ધ ગવર્નમેન્ટ રેલવે પોલીસમાં એફઆઇઆર નોંધાવવામાં આવશે, એમ સુતારે જણાવ્યું હતું.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના અમુક ભાગોમાં કેટલાક લોકો બનાવટી ક્યૂઆર-કોડેડ આઇડી કાર્ડ બનાવતા હોવાનું અને એ માટે ૫૦૦થી ૬૦૦ રૂપિયા વસૂલતા હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં સામાન્ય જનતાને ટ્રેનોમાં પ્રવાસ ખેડવાની પરવાનગી અપાઈ નથી.

અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્ટાફ, નેશનલાઇઝ્ડ, ખાનગી બૅન્કોનો સ્ટાફ, ફાર્મા કંપનીઓના કર્મચારીઓ તથા અન્ય જરૂરી સેવાઓના સ્ટાફને જ સ્પેશ્યલ સબર્બન ટ્રેન સેવાઓમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે અને તેમના માટે ક્યૂઆર કોડ-આધારિત આઇડી કાર્ડ ફરજિયાત છે.

mumbai mumbai news mumbai local train central railway western railway