ઓન્લી 27.5% પ્રવાસી

30 October, 2020 08:02 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ઓન્લી 27.5% પ્રવાસી

તસવીર: નીમેશ દવે

ગીચતા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓની હેરફેર માટે જાણીતી મુંબઈની સબર્બન ટ્રેન સર્વિસ સામાન્ય રીતે ૮૦ લાખ પ્રવાસીઓની હેરફેર કરે છે, પરંતુ રાજ્ય સરકારના ફરી લોકલ ટ્રેનો શરૂ કરવાના અનુરોધના અનુસંધાનમાં રેલવે તંત્રએ ૨૭.૫ ટકા એટલે કે બાવીસ લાખ  પ્રવાસીઓને હેરફેર કરવાની તૈયારી દર્શાવી છે. રેલવે તંત્રએ દર કલાકે લેડીઝ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું સૂચન સ્વીકારપાત્ર નહીં હોવાનું રાજ્ય સરકારને જણાવ્યું છે. કોવિડ-19 પ્રોટોકૉલને કારણે હંમેશ કરતાં ઘણા ઓછા પ્રમાણમાં પ્રવાસીઓનો સમાવેશ શક્ય બનશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા મર્યાદિત પ્રમાણમાં લોકો ટ્રેનોમાં પ્રવેશ કરી શકે એની તકેદારી કઈ રીતે રાખવી એ પણ મોટો સવાલ હોવાનું રેલવે તંત્રએ રાજ્ય સરકારને જણાવ્યું છે.   

રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળો ફેલાયો એ પહેલાંના વખતમાં અમારી સબર્બન સર્વિસમાં રોજ દરેક ટ્રેનની ૨૫૩૭ પ્રવાસીઓની સરેરાશ ઑક્યુપન્સી સાથે ૧૭૭૪ સર્વિસમાં રોજના લગભગ ૪૫ લાખ લોકો પ્રવાસ કરી શકતા હતા. સવારે ૭થી ૧૧ વાગ્યા વચ્ચે અને સાંજે ૪થી ૮ વાગ્યાના પીક-અવર્સમાં એક ટ્રેનદીઠ ૪૫૦૦ પ્રવાસીઓની સરેરાશ ઑક્યુપન્સી હતી, પરંતુ હાલમાં રોજ ૭૦૬ ટ્રેનો દોડાવવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ૪.૫૭ લાખ પ્રવાસીઓની હેરફેર કરી શકાય છે. કોવિડ-19ના સેફ પ્રોટોકૉલ પ્રમાણે એક ટ્રેનમાં ૭૦૦ મુસાફરોની હેરફેર શક્ય બનશે એથી પૂરેપૂરી ૧૭૭૪ સર્વિસ શરૂ કરીએ તો પણ રોજના ૧૨.૪ લાખ મુસાફરોની હેરફેર શક્ય બનશે. બીજા ૩૩ લાખ મુસાફરો માટે શું કરવું એ રાજ્ય સરકારે વિચારવાનું છે. રોગચાળા પૂર્વેના સમયમાં પશ્ચિમ રેલવેમાં એક ટ્રેનની ૨૫૬૦ પ્રવાસીઓની ઑક્યુપન્સી ધ્યાનમાં રાખતાં ૧૩૬૭ લોકલ ટ્રેનોમાં ૩૫ લાખ મુસાફરોની હેરફેર રોજ શક્ય બનતી હતી. હાલમાં ૭૦૪ ટ્રેનોમાં ૩.૯૫ લાખ મુસાફરોની હેરફેર કરવામાં આવે છે. હવે જો તમામ ૧૩૬૭  સર્વિસ શરૂ કરવામાં આવે તો પણ કોવિડ-19 પ્રોટોકૉલ પ્રમાણે રોજ વધુમાં વધુ ૯.૬ લાખ મુસાફરોની હેરફેર શક્ય બનશે. પશ્ચિમ રેલવેમાં ૨૩ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવા ઉપરાંત ૬ લેડીઝ સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવે છે.’

mumbai mumbai news western railway central railway rajendra aklekar