વાડીબંદરની નકામી જગ્યામાં સેન્ટ્રલ રેલવેએ બનાવી દીધું બટરફ્લાય ગાર્ડન

14 June, 2022 10:43 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પર્યાવરણના જતન સાથે પતંગિયાંઓની લુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણ માટે પણ આ એક સકારાત્મક પ્રયાસ છે

વાડીબંદરની નકામી જગ્યામાં બટરફ્લાય ગાર્ડન

નકામી જગ્યાનો સદુપયોગ કરીને સેન્ટ્રલ રેલવેએ એના પ્રવાસીઓ અને જાહેર જનતા માટે પર્યાવરણને અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એ પ્રમાણે સેન્ટ્રલ રેલવેના વાડીબંદર ખાતે બટરફ્લાય ગાર્ડન બનાવવામાં આવ્યું છે. મુંબઈ ડિવિઝન દ્વારા આવા પ્રકારની આ પ્રથમ પહેલ છે. આ રીતે પતંગિયાંઓની લુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણ માટે આ એક સકારાત્મક પ્રયાસ પણ છે.

સેન્ટ્રલ રેલવે વાડીબંદર કોચિંગ ડેપો પાસેની જગ્યાએ આ પહેલ ‘ગો શૂન્યા’ નામની સંસ્થા સાથે મળીને કરી રહી છે. અહીં નકામી અને ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવી હાલતમાં પડેલી જગ્યાનો ઉપયોગ કરીને ચોક્કસ જાતિના નાના છોડ રાખવામાં આવ્યા છે અને એને લીધે એ જગ્યા સુંદર બગીચામાં ફેરવાઈ ગઈ છે.

વાડીબંદરના નવા કૉમ્પ્લેક્સમાં આશરે ૨૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં આ બટરફ્લાય ગાર્ડન ફેલાયેલું છે. આ ગાર્ડનમાં બ્લુ મોર્મોન, ટાઉની રાજા, ડાર્ક બ્લુ ટાઇગર, સ્ટ્રિપ્ડ ટાઇગર (ડેનોસ જેન્યુટિયા), ઑર્કિડ ટીટ, કૉમન, ટોની કોસ્ટર અને ફ્લૅટ સહિત ૪૦૦થી વધુ પ્રજાતિઓના છોડનો સંગ્રહ છે. એ ઉપરાંત ટગર, ચંપા, મોગરા, લીલી વગેરે પ્રજાતિઓ પતંગિયાંઓને આકર્ષવા માટે જાણીતી છે એથી ટૂંક સમયમાં ગાર્ડનમાં પતંગિયાં પણ જોવા મળી રહેશે.

આ અનોખા ગાર્ડન વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં પતંગિયાંઓની ૧૫૦ પ્રજાતિઓ જોવા મળે છે. પતંગિયાંઓ માટે અનેક સ્વદેશી અને સુગંધિત પ્રજાતિઓનાં ફૂલના છોડ સાથે બનાવેલું બટરફ્લાય ગાર્ડન પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આનંદદાયક છે. ગાર્ડનમાં વાઇબ્રન્ટ વાતાવરણ પૂરું પાડવા માટે જેટ વૉટરિંગની સુવિધા પણ છે. ગ્રીન અર્થ દિશાએ યોગદાનના ભાગરૂપે સેન્ટ્રલ રેલવેએ સીએસએમટી અને ઈગતપુરીમાં હર્બલ ગાર્ડન્સ અને એલટીટી ખાતે મિયાવાકી ફૉરેસ્ટ પણ નિર્માણ કર્યાં છે. સીએસએમટી અને ઈગતપુરી ખાતેનાં હર્બલ ગાર્ડનમાં હર્બલ છોડ અને ઝાડીઓની લગભગ ૧૨૦ અને ૪૭૦થી વધુ વિવિધ પ્રજાતિઓનો સંગ્રહ છે; જેમાં અશ્વગંધા, અડુસા, અજમો, બ્રાહ્મી, ઇલાઇચી, મેન્થૉલ, મિન્ટ જેવી જડીબુટ્ટીનો સમાવેશ છે. કાળી મરી, શતાવરી, તુલસી, અંજીર, હળદર, ઇન્સ્યુલિન, ગુડમાર, તેજપત્તા, બ્રિંગરાજ, સર્પગંધા, ગિલોઈ, લવિંગ વગેરે જે અનેક રોગો અને બીમારીઓ સામે અસરકારક ઉપાય છે એ પણ છે. એ સિવાય સેન્ટ્રલ રેલવેએ લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે ૨૫૦ ચોરસ મીટર વિસ્તારમાં મુંબઈ ડિવિઝનમાં ૧૦૦૦ મિયાવાકી વૃક્ષારોપણની પ્રવૃત્તિ પણ હાથ ધરી છે. મિયાવાકી એ ઝડપથી વિકસતી વૃક્ષારોપણ પદ્ધતિ છે, જેમાં પ્રતિ ચોરસમીટર લગભગ ૩થી ૪ રોપા વાવવામાં આવે છે.’

mumbai mumbai news central railway preeti khuman-thakur