મહિલાઓની સુરક્ષા માટે મધ્ય રેલવેએ બનાવી વિશેષ ટુકડી ‘સ્માર્ટ સહેલી’

23 December, 2020 09:48 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મહિલાઓની સુરક્ષા માટે મધ્ય રેલવેએ બનાવી વિશેષ ટુકડી ‘સ્માર્ટ સહેલી’

ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે

મધ્ય રેલવેએ મહિલાઓની સલામતી માટે સ્વયંસેવકોની ટુકડીઓ તેમ જ વ્યવસ્થાકીય જોગવાઈઓ વડે ‘સ્માર્ટ સહેલી’ નામનો નવો ઉપક્રમ શરૂ કર્યો છે. ‘સ્માર્ટ સહેલી’માં સ્વયંસેવકો, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના અધિકારીઓ તેમ જ દર મિનિટે નોંધાતી ફરિયાદોની તપાસ અને નિવારણોમાં પ્રગતિના અવિરત મૉનિટરિંગની જોગવાઈનો સમાવેશ છે. નવી વ્યવસ્થામાં સ્માર્ટનું ફુલ ફોર્મ ‘સબર્બન મુંબઈ અસર્ટિવ રેલ ટ્રાવેલર્સ’ છે.

આ જોગવાઈના ભાગરૂપે મધ્ય રેલવેની લોકલ ટ્રેનોની ૧૭૭૪ ટ્રિપ્સ માટે વૉટ્સઍપ ગ્રુપ પણ શરૂ કરવામાં આવશે. દરેક ગ્રુપમાં સ્વયંસેવક રૂપે રોજ પ્રવાસ કરનારી ચાર મહિલાઓ અને વિશેષ ફરજ સોંપાયેલા આરપીએફના અધિકારીઓનો મેમ્બર્સ રૂપે સમાવેશ રહેશે. એ ગ્રુપ્સ મધ્ય રેલવેના વડા મથકની સેન્ટ્રલ મૉનિટરિંગ સિસ્ટમ જોડે કનેક્ટેડ રહેશે. મધ્ય રેલવેની સબર્બન સર્વિસમાં રોજ પ્રવાસ કરતા ૪૫ લાખ લોકોમાં ૧૩.૫ લાખ મહિલાઓ હોય છે.

દરમ્યાન મધ્ય રેલવેના જનરલ મૅનેજર સંજીવ મિત્તલે ૧૭ રેલવે સ્ટેશનો પર આઇપી બેઝ્ડ વિડિયો સર્વેલન્સ સિસ્ટમનો આરંભ કર્યો હતો. આઇપી બેઝ્ડ સિસ્ટમમાં વિડિયો એનેલિટિક્સ અને ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમનો સમાવેશ છે. કોઈ ઘટનાઓ, પ્રસંગો કે અકસ્માતોના વિશ્લેષણ માટે પ્લેબૅક રૂપે ઉપયોગી થઈ શકે એ માટે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ-ફીડ ૩૦ દિવસ સાચવી રાખવામાં આવશે. આવાં સ્ટેશનોમાં લોનાવલા, અમરાવતી, બુરહાનપુર, શેગાંવ, ચંદ્રપુર, વર્ધા, બેતુલ, કોલ્હાપુર, અહમદનગર, લાતુર, દૌંડ, કલબુર્ગી, કોપરગાંવ, કુર્ડૂવાડી અને સાંઈનગર શિર્ડીનો સમાવેશ છે.

mumbai mumbai news central railway mumbai local train rajendra aklekar