મુંબઈગરાઓએ વિચાર્યા નહીં હોય એવા સુધારા થશે સેન્ટ્રલ રેલવેમાં 15 દિવસમાં

28 November, 2014 05:40 AM IST  | 

મુંબઈગરાઓએ વિચાર્યા નહીં હોય એવા સુધારા થશે સેન્ટ્રલ રેલવેમાં 15 દિવસમાં




ટ્રેન-સર્વિસમાં સુધારો લાવવા માટે સેન્ટ્રલ રેલવે લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે ત્યારે રેલવે-બોર્ડના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના મેમ્બર ડી. પાંડેએ ગઈ કાલે કહ્યું હતું કે આગામી પખવાડિયામાં સેન્ટ્રલ રેલવે એવાં પગલાં લેવા જઈ રહી છે કે મુંબઈગરા પ્રવાસીઓ રાહત અનુભવશે.

તાજેતરમાં નવા રેલવે-મિનિસ્ટર સુરેશ પ્રભુ મુંબઈ આવ્યા હતા તેમણે પણ અધિકારીઓને પખવાડિયામાં લોકલ ટ્રેનના પ્રવાસીઓની હાલાકીઓમાં ઘટાડો કરવાના આદેશો આપીને કહ્યું હતું કે જો મુંબઈની લોકલ ટ્રેન-સર્વિસમાં સુધારો નહીં કરી શકું તો હું ખુરસીને લાયક નહીં ગણાઉં. હવે રેલવે-બોર્ડના મેમ્બરના આવા વિધાનથી લોકોને આશ્ચર્ય થયું છે.

ડી. પાંડેએ કહ્યું હતું કે ‘રેલવે-સર્વિસની ખામીઓ અમારા ધ્યાનમાં આવી ગઈ છે અને સેન્ટ્રલ રેલવેએ એમાં સુધારા કરવાનું શરૂ કરી દીધું છે. મુંબઈગરાઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવા સવાર઼્ગી સુધારા ટ્રેન-સર્વિસમાં પંદર દિવસમાં જ થશે.’

ડી. પાંડે રેલવેના માત્ર સિનિયર અધિકારી નથી, દેશભરમાં ટ્રેન-ઑપરેશન્સની જવાબદારી સંભાળતા કેટલાક સિનિયર ઑફિસરોમાંના એક છે.

મુંબઈમાં લોકલ ટ્રેનોનાં ઑપરેશન્સમાં ખામી અને ફેલ્યર ઉપરાંત શેડ્યુલ્સ પ્રમાણે તો ક્યારેય ટ્રેનો દોડતી જ નથી તેથી ડી. પાંડેએ રેલવેના અધિકારીઓને ખખડાવ્યા હતા. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે કલ્યાણથી થાણે વચ્ચેના રૂટમાં કેટલાંય સ્થળોએ મેઇન્ટેનન્સનો મુદ્દો માથાનો દુખાવો બની રહ્યો છે એને કારણે બધાને ભોગવવું પડે છે.

ડી. પાંડેએ કહ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં સારુંએવું કામ થયું છે અને હવે તમામ કામ દર અઠવાડિયામાં કેટલું થવું જોઈએ એની મર્યાદા પણ નક્કી કરી છે.