કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને 2.70 લાખ કરોડ રૂપિયા આપ્યા:દેવેન્દ્ર ફડણવીસ

27 May, 2020 12:16 PM IST  |  Mumbai | Mumbai Correspondent

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને 2.70 લાખ કરોડ રૂપિયા આપ્યા:દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મોટા નેતાઓ એક તરફ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લઈ રહ્યા હોવાથી રાજકીય ઊથલપાથલ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પત્રકાર-પરિષદ બોલાવીને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને કોરોનાના સંકટમાં કેટલી આર્થિક મદદ કરી છે એના આંકડા રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધી મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજના હેઠળ ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર કોરોનાના સંકટનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો દાવો વિરોધીઓ સતત કરી રહ્યા છે. બીજેપીએ ત્રણ દિવસ પહેલાં રાજ્ય સરકારના વિરોધમાં ‘મહારાષ્ટ્ર બચાવ’ આંદોલન છેડ્યું હતું. સોમવારે બીજેપીના નેતા નારાયણ રાણેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લીધા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની માગણી કરી હતી.

આવા સમયે દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સાંજે પત્રકાર-પરિષદ યોજવાથી સરકારમાં બધું સરખું ન હોવાની આશંકા સેવાઈ રહી છે.

પ્રેસ-કૉન્ફરન્સના મહત્વના મુદ્દા

મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૨.૭૦ લાખ કરોડ રૂપિયા મળી રહ્યા છે. બીજાં રાજ્યો લે છે તો મહારાષ્ટ્ર કેમ નથી લેતું?

કેન્દ્રએ ૧૦ લાખ પીપીઈ કિટ આપી, ૧૬ લાખ N95 માસ્ક આપવાની સાથે ૪૪૮ કરોડ રૂપિયા મેડિકલ સામગ્રી ખરીદવા આપ્યા

ઇવૉલ્યુશન ઑફ ટૅક્સ અંતર્ગત કોરોનાને લીધે રાજ્યમાંથી ટૅક્સ જ નથી આવ્યો એટલે ૧૧૪૮ કરોડ રૂપિયા આપવાના નીકળે છે એની સામે કેન્દ્રએ ૫૬૪૮ કરોડ આપ્યા.

ઉજ્જ્વલા યોજનામાં ૧૬૨૫ કરોડ ઉપરાંત ઈપીએફમાંથી ૧૦૦૧ કરોડ રૂપિયા રાજ્યને આપ્યા

કેન્દ્રએ રાજ્યને ત્રણ મહિનામાં ૧૭૫૦ કરોડના ઘઉં, ૨૬૨૦ કરોડના ચોખા, ૧૦૦ કરોડની દાળ અને મજૂરો માટે ૧૨૨ કરોડનાં અનાજ સહિત કુલ ૪૫૯૨ કરોડ રૂપિયાનાં અનાજની મદદ કરી છે

૧૯,૦૦૦ કરોડ રૂપિયાની રાજ્યને મદદ આપવાની સાથે ૫૭૪૭ કરોડ રૂપિયા કપાસ ખરીદવા, ૨૩૧૧ કરોડ ચોખા ખરીદવા, ૫૯૩ કરોડ તુવેરદાળ ખરીદવા અને ૧૨૫ કરોડ ચણા-મકાઈ ખરીદવા, ૪૦૩ કરોડ વીમા પાકના મળીને કુલ ૨૮૧૦૪ કરોડ રૂપિયા કેન્દ્રએ આપ્યા

રાજ્યમાંથી રવાના થયેલી ૬૦૦ શ્રમિક ટ્રેન માટે ૩૦૦ કરોડ રૂપિયા આપ્યા. એસડીઆરએફમાં ૧૬૧૧ કરોડ અને લેબર કૅમ્પ માટે ૧૬૧૧ કરોડ રૂપિયા આપ્યા.

શરૂઆત ગુજરાતથી કારણ કે ત્યાં સ્થિતિ અત્યંત ખરાબ છે: રાષ્ટ્રપતિશાસનની બીજેપીની માગણીનો સંજય રાઉતે આપ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નારાયણ રાણેએ સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લઈ મહારાષ્ટ્રની હાલની મહાવિકાસ આઘાડીની રાજ્ય સરકાર કોરોના સામે લડવામાં નિષ્ફળ ગઈ છે એથી તેને બરખાસ્ત કરી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવે એવી રજૂઆત કરી હતી. એના જવાબમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું છે કે ગુજરાતની બીજેપીની સરકાર કોરોના સામેની લડાઈમાં સાવ છેલ્લે છે, એથી જો રાષ્ટ્રપતિશાસન લાદવું હોય તો પહેલાં ગુજરાતમાં લાદો. તેમણે કોઈનું નામ ન લેતા વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે વિરોધ પક્ષને જ ક્વૉરન્ટીન કરો. તેમની આ જે સરકારને પાડવાની ચાલ છે એ બુમરેંગ થશે.

devendra fadnavis mumbai mumbai news