કોરોનાની અસર: મધ્ય અને પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ

18 March, 2020 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની અસર: મધ્ય અને પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ

સીએસએમટી સ્ટેશને ટ્રેન સાફ કરતા રેલવેના કર્મચારી

દિવસેને દિવસે કોરોનાનો કહેર જાણે વધાતો જ જાય છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે  રાજ્ય સરકાર બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. રેલવે સ્ટેશન એક એવી જગ્યા છે જ્યાં લોકોની ભીડ બહુ મોટા પ્રમાણમાં હોય છે. રેલવે સ્ટેશન પર ભીડ ભેગી ન થાય અને લોકો બીજા રાજ્યમાં પ્રવાસ ન કરે તે હેતુથી રાજ્ય સરકારે મધ્ય અને પશ્ચિમ રેલવેની લાંબા અંતરની કેટલીક ટ્રેનો રદ કરી છે. પરંતુ મુંબઈની લાઈફલાઈન લોકલ રાબેતા મુજબ ચાલી રહી છે.

મધ્ય રેલવેએ 31 માર્ચ સુધી રાજધાની એક્સપ્રેસ, ડૅક્કન ક્વિન સહિત 32 ટ્રેનો રદ કરી છે. જ્યારે પશ્ચિમ રેલવેએ દુરન્તો એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ સહિત 10 ટ્રેનોના 35 ફેરા રદ કર્યા છે. એસી ટ્રેનો રદ કરવા માટે પણ મધ્ય અને પશ્ચિમ રેલવે વિચારી રહ્યું છે. કઈ ટ્રેન કેટલા સમય માટે રદ થઈ તેની માહિતિ મધ્ય અને પશ્ચિમ રેલવેના સોશ્યલ મિડિયા અકાઉન્ટ પર પણ આપવામાં આવી છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), થાણે, દાદર, કલ્યાણ રેલવે સ્ટેશને થર્મોમિટર મુકવામાં આવ્યા છે. જેથી પ્રવાસીઓ શરીરનું તાપમાન માપી શકે. તેમજ થર્મલ ચૅક પોઈન્ટ પણ રાખવામાં આવ્યા હોવાની માહિતિ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આપી હતી.

સ્ટેશન પર માણસોની ભીડ ઓછી કરવા માટે રલેવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ બમણા કરી દીધા છે. સ્ટેશન પર થતી ભીડના આધારે ટિકિટના ભાવ જુદા જુદા છે. આરામ ગૃહના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે માહિતિ આપી હતી કે, પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના 26 સ્ટેશનોએ પ્લેટફોર્મ ટિકિટનો ભઅવ 10 રૂપિયાથી 50 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સ્ટેશનોમાં સુરત, બાન્દ્રા ટર્મિનસ, બોરિવલી, ઉધના, મુંબઈ સેન્ટ્રલ, વાપી, દાદર, વલસાડ, નવસારી, અંધેરી, વસઈ રોડ, બોઈસર, નંદુરબાર, બિલિમોરા, અમાલનેર, વિરાર, પાલઘર, બાન્દ્રા, ભાયંદર, દહાણુ રોડ, ગોરેગાવ, નાલાસોપારા, વ્યારા, દોંડાઈચા, ચર્ચગેટ અને મલાડ સ્ટેશનનો સમાવેશ છે. બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર બદલાયો નથી. જ્યારે મદ્ય રેલવેએ મુંબઈ, પુણે, નાગપુર, ભુસાવળ અને સોલાપુર ડિવિઝનના સ્ટેશનો પર ટિકિટના દર વધાર્યા છે.

coronavirus indian railways western railway central railway mumbai trains