મુંબઈઃ અત્યાર સુધીમાં 25 લાખ પરપ્રાંતીયો મુંબઈ પાછા ફર્યા

12 September, 2020 12:58 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈઃ અત્યાર સુધીમાં 25 લાખ પરપ્રાંતીયો મુંબઈ પાછા ફર્યા

પરપ્રાંતીયો મુંબઈ પાછા ફર્યા

મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા એકત્રિત કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર લૉકડાઉન ઉઠાવવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 25 લાખ જેટલા પરપ્રાંતીય કામદારો વિવિધ રાજ્યોમાંથી ટ્રેન દ્વારા મુંબઈ પાછા ફર્યા છે.

રાજધાની જેવી વિશેષ ટ્રેનો 12 મેથી શરૂ કરવામાં આવી હતી, જ્યારે કે મર્યાદિત સીટો ધરાવતી કોવિડ-19 પ્રોટોકૉલ સાથે વિશેષ ટ્રેનો પહેલી જૂનથી શરૂ કરવામાં આવી હતી.

રોજ નિયમિત સમયાંતરે વિવિધ રાજ્યોમાંથી ટ્રેનો મુંબઈ આવતી હતી. મધ્ય રેલવેમાં ઉત્તર અને દક્ષિણમાં જતી અને પાછી ફરતી ટ્રેનો કલ્યાણ, થાણે, એલટીટી અને મુંબઈ સીએસએમટી સ્ટેશન પર રોકાઈને પાછી ફરી હતી.

બુક કરાયેલી ટિકિટ અને અન્ય સંબંધિત આંકડાઓ મુજબ મોટી સંખ્યામાં મુસાફરો એમએમઆર પાછા ફર્યા હતા.

મધ્ય રેલવેમાં કુલ 16.50 લાખ ઉતારુઓ મુંબઈ પાછા ફર્યા હતા જેમાંથી જૂનમાં 4 લાખ, જુલાઈમાં 6 લાખ, ઑગસ્ટમાં 6.5 લાખ મુસાફરો મુંબઈ પાછા આવ્યા હતા એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેમાં પણ 12 મેથી 31 ઑગસ્ટ દરમિયાનના સમયગાળામાં મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ અને બાંદરા ટર્મિનસ પર મળીને 9,47,560 પરપ્રાંતીયો પાછા ફર્યા હતા.

એમએમઆરમાં અનેક માળખાકીય બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ છે એવામાં પરપ્રાંતીય કામદારો શહેરની આર્થિક અને બાંધકામ પ્રવૃત્તિની કરોડરજ્જુ સમાન છે.

એક મીડિયા પ્રસંગે એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે મેટ્રો લાઇન પર કામ કરતા કામદારો ધીમે-ધીમે પાછા ફરી રહ્યા છે અને હાલમાં તેમની સંખ્યા લૉકડાઉન પહેલાં જેટલી થઈ ગઈ છે.

એમએમઆરડીએના અધિકારીના જણાવ્યા પ્રમાણે લૉકડાઉન પહેલાં જેટલા મજૂરો હતો એટલા જ મજૂરો હાલ મેટ્રો લાઇનમાં કામ કરી રહ્યા છે. ફાઇલ ફોટો ઃ સતેજ શિંદે.

mumbai mumbai news coronavirus covid19 rajendra aklekar lockdown