મધરાતે કાર્યવાહી:સુરેશ રૈના, સુઝેન ખાન, ગુરુ રંધાવા પાર્ટી કરતાં ઝડપાયા

23 December, 2020 08:35 AM IST  |  Mumbai | Faizan Khan

મધરાતે કાર્યવાહી:સુરેશ રૈના, સુઝેન ખાન, ગુરુ રંધાવા પાર્ટી કરતાં ઝડપાયા

ઇન્ટનૅશનલ ઍરપોર્ટ નજીક આવેલા આ ધ ડ્રૅગનફ્લાય ક્લબમાં સેલિબ્રિટી પાર્ટી કરતાં ઝડપાયા હતા. (તસવીર: અતુલ કાંબળે)

નાઇટ કરફ્યુ લદાયાની ગણતરીના સમયમાં સોમવારની મધરાત પછી ૨.૩૦ વાગ્યે મુંબઈ પોલીસે ડ્રૅગનફ્લાય ક્લબ પર પાડેલા દરોડામાં ક્રિકેટર સુરેશ રૈના, ઇન્ટિરિયર ડિઝાઇનર સુઝેન ખાન, સિંગર ગુરુ રંધાવા અને રૅપ સિંગર બાદશાહ સહિત ૩૪ લોકો સામે નાઇટ કરફ્યુનો ભંગ કરવા બદલ ઇન્ડિયન પીનલ કોડ, નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ અને બૉમ્બે પોલીસ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. સુઝાન ખાન તથા અન્ય મહિલાઓને નોટિસો આપીને જવા દેવામાં આવી હતી. સુરેશ રૈના અને ગુરુ રંધાવા સહિત પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. સુરેશ રૈના અને ગુરુ રંધાવાએ રાજ્ય સરકારની નાઇટ કરફ્યુની જાહેરાતની જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.

સરકારે નાઇટ કરફ્યુની જાહેરાત કર્યા પછી મુંબઈ પોલીસે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસેની ડ્રૅગનફ્લાય ક્લબ પર પાડેલા દરોડામાં ત્યાંના ૭ કર્મચારીઓ અને ઉક્ત સેલેબ્રિટિઝ સહિત ૩૪ જણે કોરોના રોગચાળાના પ્રતિકાર માટેની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનું અને ક્લબ રાતે ૨.૩૦ વાગ્યે સક્રિય હોવાનું નોંધ્યું હતું. એ ૩૪ જણ સામે રોગચાળાના પ્રતિકાર માટેના નિયમો તથા સરકારી જોગવાઈઓનો ભંગ કરવા બદલ નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો હોવાનું મુંબઈના  જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ વિશ્વાસ નાંગરે-પાટીલે દરોડાની માહિતી આપતાં જણાવ્યું હતું.

બચાવમાં સુરેશ રૈનાએ શું કહ્યું?

સુરેશ રૈનાએ આપેલાં નિવેદનમાં જણાવાયું હતું કે ‘તે કોઈ શૂટિંગ માટે મુંબઈ આવ્યો હતો અને મિત્રો સાથે ડિનર લઈને સવારે દિલ્હીની ફ્લાઇટ પકડવાની તૈયારી સાથે નીકળ્યો હતો. તેને નાઇટ કરફ્યુની જાહેરાત, સ્થાનિક સમય અને સત્તાવાળાઓએ બહાર પાડેલા નિયમો બાબતે કંઈ ખબર નહીં હોવાનું જણાવતાં આ કાર્ય ઇરાદાપૂર્વક ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી હતી.

બચાવમાં ગુરુ રંધાવાએ શું કહ્યું?

સિંગર ગુરુ રંધાવા વતી અપાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે તેઓ દિલ્હી પાછા જતાં પહેલાં મિત્રો જોડે ડિનર કરવા ડ્રૅગન ક્લબમાં પહોંચ્યા હતા. નાઇટ કરફ્યુના સ્થાનિક સત્તાવાળાઓના નવા નિયમો વિશે કોઈ ખ્યાલ નહોતો. ઇરાદાપૂર્વક નિયમોનો ભંગ ન કર્યો હોવાનું જણાવતાં જે બન્યું એને માટે ખેદ વ્યક્ત કર્યો હતો.

mumbai mumbai news mumbai police suresh raina sussanne khan guru badshah faizan khan