તહેવારો ઉજવો ડિજિટલી : કવીઓ સમાજનો આવો મેસેજ થયો વાઇરલ

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

તહેવારો ઉજવો ડિજિટલી : કવીઓ સમાજનો આવો મેસેજ થયો વાઇરલ

ફાઈલ તસવીર

મુંબઈના કચ્છી વીસા ઓસવાળ સમાજમાં હવે તહેવારોની ઉજવણી ડિજિટલી કરવાનો આગ્રહ સેવાઈ રહ્યો છે અને એ માટે સમાજના વૉટ્સઍપ-ગ્રુપ પર મેસેજિસ પણ ફરી રહ્યા છે. કોરોનાને કારણે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળે, ભેગા ન થાય અને ભીડ ન કરે એના પર ખાસ ભાર મુકાય છે ત્યારે હવે આવનારા તહેવારોના દિવસોમાં, રક્ષાબંધનના દિવસે પણ ભાઈ અને પરિણીત બહેન તથા તેમનો પરિવાર રૂબરૂ ન મળતાં ડિજિટલી જેમ કે ઝૂમ મીટિંગ કે પછી વેબિનાર કે પછી ગૂગલ, ડ્યુઓ પર કે પછી ફેસબુક લાઇવ પર પણ પ્રસંગની ઉજવણી કરી શકે છે એથી કોરોના ફેલાવાનું જોખમ પણ ઘટશે અને પ્રસંગ પણ સચવાઈ જશે તથા બધાને મળ્યાનો આનંદ પણ થશે એવો સૂર ફેલાઈ રહ્યો છે.

આ વિશે કવીઓ સમાજના અગ્રણી ધીરજ રાંભિયાએ કહ્યું હતું કે ‘મૂળ મુદ્દો સોશ્યલ ડિસ્ટન્સિંગનો છે. વેપારીઓ અને ઉદ્યોગના માંધાતાઓ પહેલાં વિચારોનું આદાનપ્રદાન કરવા સેમિનાર યોજતા, પણ હવે જ્યારે એ રીતે મળવું શક્ય નથી ત્યારે તેઓ વેબિનાર દ્વારા મીટિંગ કરે છે અને કમ્યુનિકેટ કરે છે. એ જ રીતે જો સોશ્યલ મીટિંગ અને તહેવારોની પણ ઉજવણી ઘરમાં જ ડિજિટલી કરાય તો કોરોના ફેલાવાનું રિસ્ક બહુ ઘટી જાય જે આજની મુખ્ય જરૂરિયાત છે.’

કવીઓ સમાજનાં મહિલા અગ્રણી ડૉ. ઇલા દેઢિયાએ કહ્યું હતું કે ‘હવે કોરોનાને કારણે ટ્રાવેલિંગ કરવું અઘરું છે અને મેડિકલ ફીલ્ડના લોકો આટલું રિસ્ક લઈને લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે તહેવારોની ઉજવણી ડિજિટલ કરવી એ સારું છે. પરંપરાગત રીતે તહેવારોની ઉજવણી કરાય અને જો નાનીએવી ભૂલ પણ થઈ જાય તો એનાં ગંભીર પરિણામ આવી શકે; જે વ્યક્તિ, પરિવાર, સમાજ અને બધા માટે જોખમી બની શકે. આપણને ઑનલાઇન તહેવારો ઊજવવાની આદત નથી, પણ એ પાડવી પડશે. હવે તો ઑનલાઇન ઘણાંબધાં પ્લૅટફૉર્મ છે જેના પર લાગણીઓ વ્યક્ત કરી શકાય, હાલ એનો મૅક્સિમમ ઉપયોગ કરી શકાય.’

mumbai mumbai news lockdown coronavirus covid19