19 June, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
APMC મસાલા માર્કેટના K-12 ગાળાની બહાર પૅસેજમાં તૂટી પડેલો પ્લાસ્ટરનો ભાગ. APMC મસાલા માર્કેટના K-12 ગાળાની બહાર પૅસેજમાં તૂટી પડેલું પ્લાસ્ટર અને લટકતા વાયરો.
નવી મુંબઈની APMC મસાલા માર્કેટના K-12 ગાળાની બહાર પૅસેજમાં ગઈ કાલે સાંજે લગભગ ૪ વાગ્યે સીલિંગનો પ્લાસ્ટરનો ભાગ તૂટી પડ્યો હતો. સદ્ભાગ્યે ઘટનાસ્થળે એ સમયે ગ્રાહકોની ઓછી અવરજવર હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
આ ઘટના બાદ માર્કેટ પ્રશાસન દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ જૂનું સીલિંગ સ્ટ્રક્ચર, લટકતા વાયરો અને લાંબા સમયથી ચાલતા જાળવણીના અભાવને કારણે પ્લાસ્ટર નબળું પડ્યું હોવાનું માનવામાં આવે છે.
માર્કેટના ડિરેક્ટર વિજય ભુતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪થી માર્કેટમાં રિપેરિંગ અને રિનોવેશન માટેની માગણી મંજૂર થઈ હોવા છતાં ફન્ડના અભાવને કારણે કામ શરૂ થઈ શક્યું નહોતું. હવે આ ઘટનાને ગંભીરતાથી લઈને રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે એવી શક્યતા દેખાય છે.’
આ ઘટનાથી શીખ મળશે
આ બાબતે ભૂતપૂર્વ પદાધિકારી અને વેપારી અમરીશ બારોટ દ્વારા અગાઉથી જ કરાયેલી રિનોવેશનની માગણી ફરી ઉઠાવવામાં આવી છે અને તાત્કાલિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બાબતમાં અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ પછી તરત જ માર્કેટના સેક્રેટરી પાસે સમગ્ર માર્કેટની સીલિંગ અને માળખાની તાત્કાલિક ચકાસણી શરૂ કરવાની માગણીએ જોર પકડ્યું છે. એની સામે ડેપ્યુટી સેક્રેટરી યશવંત દેશપાંડેએ બાંયધરી આપતાં કહ્યું હતું કે આજથી જ ચકાસણી શરૂ કરવામાં આવશે તેમ જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે જરૂરી મરામતની કામગીરી કરવામાં આવશે. એને પરિણામે વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઘટનાથી શીખ લઈને માર્કેટની સુરક્ષા-વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને રિનોવેશનની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.’