ટ્રેન-ક્રિમિનલ્સ પર બાજનજર

06 August, 2021 08:26 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની લોકલના ૪૦૭ કોચમાં અત્યાર સુધીમાં ઇન્સ્ટૉલ કરાયા છે સીસીટીવી કૅમેરા

કોચની અંદર ગોઠવવામાં આવેલો એક કૅમેરા

લોકલ ટ્રેનોમાં હવે તમે કૅમેરાની નજર હેઠળ હશો, પણ આ વ્યવસ્થા તમારી સલામતી માટે જ ઊભી કરાઈ છે. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની મુંબઈ લોકલ ટ્રેનોના ૪૦૭ જેટલા કોચમાં પૅસેન્જરોની સુરક્ષા માટે સીસીટીવી કૅમેરા ઇન્સ્ટૉલ કરાયા છે.
લોકલ સહિતની વિવિધ ટ્રેનોના કોચમાં સીસીટીવી સિસ્ટમ ગોઠવવા કુલ ૩૫૭ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. લોકલ ટ્રેનોમાં કૅમેરા ઇન્સ્ટૉલ કરવાની શરૂઆત વેસ્ટર્ન રેલવેએ થોડાં વર્ષો અગાઉ કરી હતી, જે હવે પ્રચલિત થઈ છે. સિસ્ટમ ૩૦ દિવસનો ડેટા રેકૉર્ડ કરવાની ક્ષમતા ધરાવતા વિડિજિટલ વિડિયો રેકૉર્ડરમાં ડેટા સંગ્રહિત કરે છે. આરપીએફ અને પોલીસ મહિલા પ્રવાસીઓની સલામતી માટે ડેટાનો ઉપયોગ કરશે.
૩ મેગાપિક્સેલ અને વાઇડ ઍન્ગલ્સ સાથે ટ્રેનોના શૉક અને વાઇબ્રેશન્સ સાથે અનુકૂલન સાધતા કૅમેરા ગોઠવવામાં આવ્યા છે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ ૪૧૪૧ કોચમાં સીસીટીવી કૅમેરા પૂરા પાડવામાં આવ્યા છે. 
તેમણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવે પર ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (ઈએમયુ) (લોકલ) ટ્રેનોના ૨૦૩ કોચ અને વેસ્ટર્ન રેલવે પરની ઈએમયુ ટ્રેનોના ૨૦૪ કોચમાં સીસીટીવી કૅમેરા પૂરા પાડવામાં આવ્યા છે. સીસીટીવીની સુવિધા મેળવનારી આ દેશની સૌથી મોટી સંખ્યા ધરાવતી લોકલ ટ્રેનો છે.
રેલવે સ્ટેશનો પર પણ અંદરનાં મહત્તમ કવરેજ માટે ચાર પ્રકારના આઇપી-બેઝ્ડ કૅમેરા ગોઠવાયા છે. સીસીટીવી ઑપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્કિંગ ધરાવે છે અને સીસીટીવી કૅમેરાનું વિડિયો ફીડ લોકલ આરપીએફ પોસ્ટ્સ ઉપરાંત ડિવિઝનલ અને ઝોનલ લેવલના સેન્ટ્રલાઇઝ્ડ સીસીટીવી કન્ટ્રોલ રૂમમાં પણ ડિસ્પ્લે થાય છે.

mumbai news Mumbai mumbai local train rajendra aklekar