વિધાનભવન અને સુધરાઈમાં પહેલાં સીસીટીવી કૅમેરા લગાવો

06 November, 2012 05:29 AM IST  | 

વિધાનભવન અને સુધરાઈમાં પહેલાં સીસીટીવી કૅમેરા લગાવો



રેઇડ-સ્પેશ્યલિસ્ટ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) વસંત ઢોબળેના વિરોધીઓ અને નાઇટ-ક્લબ અને બારમાં જતા યુવાનોના ગ્રુપે મુંબઈપોલીસના ગેરવર્તનને ધ્યાનમાં લઈ તેમણે વિધાનભવન અને સુધરાઈના મુખ્યાલયમાં સીસીટીવી કૅમેરા બેસાડવાની માગણી કરી છે. તેમણે મુંબઈપોલીસે પબ અને ડિસ્કોમાં સીસીટીવી કૅમેરા બેસાડવાની કરેલી માગણીના વિરોધમાં સહીઝુંબેશની પણ શરૂઆત કરી છે. બાંદરાના રહેવાસી રાહુલ કનલે કહ્યું હતું કે ‘મુંબઈપોલીસ દર વખતની જેમ કોઈ ને કોઈ પ્રૉબ્લેમ ઊભા કરે જ છે. જો એક પબે કાયદો તોડ્યો તો એમાં બાકીના પબને કેમ સજા મળે? પોલીસ ફક્ત પાર્ટીમાં જતા લોકોની પ્રાઇવસી પર આક્રમણ કરવા માગે છે. જ્યાં સૌથી વધુ કરપ્શન થાય છે એ વિધાનસભા અને સુધરાઈના વિસ્તારોમાં સીસીટીવી કૅમેરા લગાવવા જોઈએ. અમારી પ્રાઇવસી લૂંટવા પહેલાં તેમણે તેમના જ લોકોને જોવા જોઈએ.’

શહેરના સાઉથ રીજનના ઇન્ચાર્જ ઑફિસરોએ હાલમાં જ પબના મૅનેજમેન્ટ અને બારના લોકો સાથે મીટિંગ કરી હતી અને પોલીસને મદદ મળી રહે એ માટે પબ અને બારમાં સીસીટીવી કૅમેરા બેસાડવા કહ્યું હતું. આ સીસીટીવી કૅમેરાનું ફુટેજ અઠવાડિયામાં કે પંદર દિવસમાં પોલીસને આપવા કહ્યું હતું. એમાં પોલીસ તપાસ કરશે અને જો પબમાં કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે તો ત્યાર બાદ પોલીસ રેઇડ પાડશે.

સીસીટીવી = ક્લોઝડ-સર્કિટ ટેલિવિઝન