થાણેમાં સીસીટીવી કૅમેરા બેસાડવામાં વિલંબ

08 November, 2011 08:15 PM IST  | 

થાણેમાં સીસીટીવી કૅમેરા બેસાડવામાં વિલંબ



મુંબઈમાં આતંકવાદી હુમલા પછી રાજ્યના મહત્વનાં શહેરોમાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી (સીસીટીવી) કૅમેરા બેસાડવાના રાજ્ય સરકારના નિર્ણય પછી થાણે મહાનગરપાલિકાએ પણ થાણેનાં મહત્વનાં સ્થળો પર સીસીટીવી કૅમેરા બેસાડવા માટેનો નિર્ણય લીધો હતો, જેમાં થાણે રેલવેસ્ટેશન, રેલવેબ્રિજ તેમ જ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં કેમેરા બેસાડી અહીં થતી ગેરકાયદે પ્રવૃત્તિ, અતિક્રમણ પર નજર રાખી શકાય એ એક આશય પણ હતો. આ માટે જુલાઈ મહિનામાં થયેલી થાણે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે મંજૂર થયો હતો અને તેના માટે ખાસ પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી હતી, પણ હજી સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

મહત્વનાં સ્થળો પર સીસીટીવી કૅમેરા બેસાડવામાં થઈ રહેલા વિલંબ બાબતે થાણે મહાનગરપાલિકાના પબ્લિક રિલેશન ઑફિસર સંદીપ માલવીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘થાણેનાં મહત્વનાં સ્થળોએ સીસીટીવી કૅમેરા બેસાડવા બાબતે રકમ મંજૂર થઈ હતી, પણ આ  પ્રસ્તાવ  પર કમિશનર આર. એ. રાજીવ હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લઈ શક્યા નથી. ખાનગી ધોરણે કૅમેરા બેસાડવા કે પછી પ્રશાસન જ કરે એવા અમુક પ્રશ્નો પર કમિશનર હજી વિચાર કરી રહ્યા છે, પણ ટૂંક સમયમાં જ એનો નિર્ણય લઈને કૅમેરા બેસાડી દેવામાં આવશે.’