મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની સીબીઆઇએ ધરપકડ કરી

25 September, 2022 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ મની લૉન્ડરિંના કેસમાં જુડિશ્યલ કસ્ટડીમાં

સંજય પાંડેની સીબીઆઇએ કરી ધરપકડ

મુંબઈ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના કો-લોકેશન અને ફોનટૅપિંગ કેસ સંદર્ભે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ગઈ કાલે ધરપકડ કરી હતી. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ મની લૉન્ડરિંના કેસમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે.

સ્પેશ્યલ જજ સુનયના શર્માએ ગઈ કાલે સંજય પાંડેને ૨૮ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર સીબીઆઇની કસ્ટડીમાં સોંપતાં જણાવ્યું હતું કે સીબીઆઇ પાસે એફઆઇઆરમાં મૂકવામાં આવેલા આક્ષેપોની તપાસમાં આગળ વધવા માટે પર્યાપ્ત આધાર છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે એણે તમામ રજૂઆતો પર વિચાર કરીને રેકૉર્ડનો અભ્યાસ કર્યો છે. હાલના કેસની તપાસ દરમિયાન તપાસ અધિકારી દ્વારા એકત્રિત કરવામાં આવેલા દસ્તાવેજોમાં મેસર્સ આઇસેક સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના કેટલાક કર્મચારીઓ સહિત વિવિધ વ્યક્તિઓનાં નિવેદનોનો સમાવેશ થાય છે જે પ્રાથમિક દૃષ્ટિએ દર્શાવે છે કે ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હોવા છતાં ૨૦૦૬માં આરોપી સંજય પાંડેએ કંપનીની બાબતો પર ડી-ફૅક્ટો કન્ટ્રોલ રાખ્યો હતો.  

mumbai mumbai news central bureau of investigation