બહાર નીકળતાં પહેલાં સાવધાન! ગુનેગારો ટાંપીને બેઠા છે

01 June, 2020 11:44 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

બહાર નીકળતાં પહેલાં સાવધાન! ગુનેગારો ટાંપીને બેઠા છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) બે મહિના કરતાં વધારે સમયથી લોકો લૉકડાઉનને કારણે ઘરોમાં પુરાઈ રહ્યા છે ત્યારે હવે લૉકડાઉન-5માં કેટલીક છૂટછાટ મળશે ત્યારે ઘરોની બહાર નીકળીને ખુલ્લામાં શ્વાસ લેવા બધા આતુર છે. જોકે ઘરોની બહાર નીકળતી વખતે ગુનેગારોની ઝપટમાં આવવાની શક્યતા વ્યક્ત કરીને પોલીસે ઍડ્‌વાઇઝરી જાહેર કરી છે. લાંબા સમયથી કામકાજ બંધ હોવાથી લૂંટ, ચોરી કે કીમતી વસ્તુની ચીલઝડપ જેવા ગુનામાં વધારો થઈ શકે છે એટલે લોકોએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર હોવાનું પોલીસે જણાવ્યું છે.
લૉકડાઉન-5માં ૮ જૂનથી મુંબઈમાં કન્ટેનમેન્ટ એરિયાને બાદ કરતાં દુકાનો, શૉપિંગ મૉલ, સલૂન વગેરે ખૂલી જશે. આવા સમયે લોકોને ગુનેગારોની નજરે ચડે એવી કીમતી વસ્તુઓ પહેરીને કે સાથે લઈને ન નીકળવાની સલાહ પોલીસે આપી છે. અસામાજિક તત્ત્વો લાંબા સમયથી બેસી રહ્યાં હોવાથી તેઓ શિકારની શોધમાં મોટા પ્રમાણમાં બહાર નીકળી શકે છે.
મહારાષ્ટ્ર રાજ્યે અધિકૃત રીતે સેફ્ટી ટિપ્સ જાહેર નથી કરી, પરંતુ જુદા-જુદા પોલીસ વિભાગે લોકોને સાવધાન રહેવાની કેટલીક સૂચનાઓ બહાર પાડી છે. આવી જ રીતે પોતાના વિસ્તાર માટે લોકોએ શું સાવધાની રાખવી જોઈએ એવી કેટલીક ટિપ્સ તૈયાર કરી છે શિવડીના ઇન્સ્પેક્ટર કિરણ માનેએ. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં જે સેફ્ટી ટિપ્સ ફરી રહી છે એ સાચી છે. લૉકડાઉન બાદ ગુનેગારીમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમે પણ લોકોએ ગુનેગારોથી બચવા માટે શું-શું સાવધાની રાખવી જોઈએ એની સૂચનાઓ બનાવી છે.’

mumbai mumbai news mumbai crime news