જ્ઞાતિના ઇલેક્શનમાં રાજકીય સ્ટાઇલ

15 October, 2011 08:15 PM IST  | 

જ્ઞાતિના ઇલેક્શનમાં રાજકીય સ્ટાઇલ



બકુલેશ ત્રિવેદી

મુંબઈ, તા. ૧૫

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની આવતાં પાંચ વર્ષ માટેના પદાધિકારીઓની આવતી કાલે અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં યોજાનારી ચંૂટણીમાં પ્રમુખપદ માટેના કુલ છ ઉમેદવારોમાંથી ત્રણ ખમતીધર ઉમેદવારો હટી ગયા છે એટલે રસાકસી થોડી ઓછી થઈ ગઈ છે.

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનના એક પ્રમુખ, ચાર ઉપપ્રમુખ, ચાર મંત્રી, એક ખજાનચી અને એક સહખજાનચીના આવતાં પાંચ વર્ષ માટેના પદની ચૂંટણી આવતી કાલે અંધેરી (વેસ્ટ)ના અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન યોજાવાની છે. શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનના હાલના પ્રમુખ લક્ષ્મીચંદ ચરલા પ્રમુખપદના પ્રબળ દાવેદાર છે. તેમની સામે ઊભા રહેલા અન્ય ઉમેદવારો નાનજી શિવજી ગડા (લાકડિયા), વેરશી ખેતશી ગડા ઉર્ફે વેરશી પટેલ (લાકડિયા) અને લખમશી ખીમજી ગાલા (સામખિયારી)એ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે; જ્યારે અન્ય બે ઉમેદવારોમાં આદર્શ ગ્રુપના ચેતન રતનશી ગાલા (સામખિયારી) અને વીરજી ભચુભાઈ ગાલા (લાકડિયા) રેસમાં છે.

પ્રમુખપદની રેસમાંથી હટી જનારા ઉમેદવારોએ તેમના હટી જવા પાછળ કોઈ મક્કમ કારણ તો નથી આપ્યું, પણ તેમણે આ પગલું અન્યોના માન ખાતર લીધું હોવાનું જણાવ્યું છે. મૂળ ગામ લાકડિયાના અને હાલ માટુંગામાં પ્રામાણિક સ્ટોર ધરાવતા નાનજી શિવજી ગડાએ કહ્યું હતું કે ‘ઇચ્છા હતી કે સમાજનું કામ કરીએ. અત્યારે પણ કામ તો થઈ જ રહ્યું છે, પણ એ વધુ સારી રીતે કરવાનું વિચાર્યું હતું. સમાજમાં છૂટાછેડાની બહુ મોટી સમસ્યા છે. એ સિવાય નબળા વર્ગને મદદ કરવી હતી. જે વર્ગ પાંચ હજાર રૂપિયાનું ભાડું પણ અફૉર્ડ કરી શકતો નથી તેમના માટે આવાસ યોજનાનો પ્લાન હતો એટલે ઉમેદવારી નોંધાવી હતી, પણ ત્યાર બાદ વડીલો અને પરિવારના કહેવાથી ઉમેદવારી પાછી ખેંચી છે. હવે નેક્સ્ટ ટાઇમ ઝુકાવીશું એવું નક્કી કર્યું છે.’

પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવીને પછી ઉમેદવારી પાછી ખંેચી લેનાર અન્ય ઉમેદવાર વેરશી ખેતશી ગડા ઉર્ફે‍ પટેલે કહ્યું હતું કે ‘મને કામનો અનુભવ હતો. સમાજના લોકો સાથે સારા પરિચયમાં પણ હતો. એમ છતાં હવે ઉંમર થઈ છે અને છોકરાઓનું તથા સમાજના લોકોનું પણ કહેવું છે કે ઉમેદવારી પાછી ખેંચી લો તો સારું એટલે તેમનું માન રાખવા ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.’

મૂળ સામખિયારીના લખમશી ખીમજી ગાલાએ પણ આ જ કારણ આગળ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હોંશ હતી સમાજમાં પરિવર્તન લાવવાની. આ લોકો (અત્યારના પદાધિકારીઓ) માત્ર અને માત્ર પૈસાવાળાઓનું જ સાંભળે છે. સમાજના નાના વર્ગને તો તેઓ ગણકારતા જ નથી. નાના માણસને તો રીતસર ટલ્લે ચડાવવામાં આવે છે. જોકે હવે અન્ય ખમતીધર ઉમેદવારોએ પણ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને મને પણ ગામવાળાઓએ કહ્યું કે ઉમેદવારી પાછી ખેંચી લો એટલે ઉમેદવારી પાછી ખેંચી છે.’

જોકે આ બધા સામે હાલના પ્રમુખ અને આ ચૂંટણીમાં પ્રમુખપદના સબળ ઉમેદવાર લક્ષ્મીચંદ ચરલાએ કહ્યું હતું કે ‘હું કામ કરી રહ્યો છું અને સમાજનો મને સર્પોટ છે. સમાજના ૯૮ ટકા લોકો મારી સાથે છે. બાકી બે ટકા જેટલા વિરોધીઓ તો કોઈ પણ સમાજમાં રહેવાના જ. તેમને પણ તેમનો મત હોય છે, વિચારો હોય છે. અમે વાગડ સમાજનો વિકાસ કરવા માગીએે છીએ. એમાં વાગડ સમાજની કૉલેજ, હૉસ્પિટલ અને આવાસ યોજના મુખ્ય છે. આ ઉપરાંત વાગડ સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ બહુ છે. એ માટે પણ સામાજિક જાગૃતિ લાવવી છે.’