જૂની કરન્સી હજી પકડાય છે

17 March, 2017 05:06 AM IST  | 

જૂની કરન્સી હજી પકડાય છે

૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો સત્તાવાર રીતે રદ થઈ ગઈ હોવા છતાં દલાલો દ્વારા મોટા પાયે હજીયે આ નોટને કમિશનથી વટાવી આપવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં બે કેસમાં કુલ ૨,૩૩,૬૦,૫૦૦ની રદ થયેલી નોટો બાંદરા અને થાણે પોલીસે જપ્ત કરીને આઠ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. હજી એક આરોપી ફરાર છે. આ ઘટના વિશે પોલીસે ઇન્કમ-ટૅક્સ વિભાગને જાણ કરી છે.

ખેરવાડી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘બાંદરા (ઈસ્ટ)ની ગવર્નમેન્ટ કૉલોની પાસે બુધવારે રાતે સાડાનવ વાગ્યે પોલીસે એક શંકાસ્પદ વાઇટ આઉડી કારને રોકી હતી. આ કારની તલાસી દરમ્યાન કારની ડિકીમાં રાખવામાં આવેલી ટ્રાવેલર બૅગમાંથી રદ કરવામાં આïવેલી નોટો મળી આવી હતી. બૅગમાંથી ૫૦૦ની ૨૨,૪૪૫ નોટ અને ૧૦૦૦ રૂપિયાની ૮૯૪૦ ચલણી નોટો મળી કુલ ૨,૦૧,૬૨,૫૦૦ રૂપિયાની નોટ જપ્ત કરવામાં આવી હતી. કારમાં સવાર ચાર જણની અટક કરવામાં આવી હતી. અટક કરવામાં આïવેલા આરોપીઓમાં બાંદરા (ઈસ્ટ)માં રહેતો વિનોદ દેસાઈ, કાંદિવલી (વેસ્ટ)માં રહેતો સચિન સુમારિયા, વસોર્વામાં રહેતો ઇમ્તિયાઝ મુલાણી અને કાંદિવલી (વેસ્ટ)માં રહેતો સુરેશ કુંભાર છે. જ્યારે એક ફાઇનૅન્સ કંપનીનો માલિક અને વસોર્વાના સાત બંગલા પાસે રહેતો રાજેશ ડહાણુકર આ રદ થયેલી નોટોને એક્સચેન્જ કરવાના પ્લાનનો શંકાસ્પદ આરોપી છે અને તેને પોલીસ શોધી રહી છે. પોલીસને શંકા છે કે આ પૈસા રાજેશ ડહાણુકર જ છે.’

બૅન્કના અધિકારીનો હાથ?

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પાસે આ જૂની નોટ પકડાઈ હોવાથી પોલીસને શંકા છે કે આ કાવતરામાં કોઈ બૅન્કનો અધિકારી પણ સામેલ હોવો જોઈએ. મોટા ભાગની બૅન્કોના હેડક્વૉર્ટર બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં છે.

ઝોન આઠના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વીરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ચાર જણની આ કેસમાં ધરપકડ કરી કારને સીઝ કરવામાં આવી છે. ગઈ કાલે બપોર પછી ચારેય આરોપીને બાંદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તમામને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

થાણેમાં પણ ઓલ્ડ કરન્સી પકડાઈ

બીજા એક કેસમાં થાણેમાં જૂની કરન્સી જપ્ત કરવામાં આવી હતી. ચિતલસર પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે માનપાડામાં હૅપી વૅલી સર્કલ પાસે નીલકંઠ સોસાયટી તરફ જતા રસ્તા પર એક વૅગન-આર કારને આંતરવામાં આવી હતી. કારમાં લીલા કલરની પ્લાસ્ટકની થેલીમાં ૫૦૦ની ૫૪૨ નોટ અને ૧૦૦૦ રૂપિયાની ૨૯૨૭ ચલણી નોટો મળી કુલ ૩૧,૯૮,૦૦૦ની રકમ જપ્ત કરવામાં આવી હતી. કારમાં સવાર ચાર જણની અટક કરવામાં આવી હતી. આ ચારે ૩૦ ટકાના કમિશનથી નોટો બદલાવવા માટે જઈ રહ્યા હતા. આ નોટ કોની પાસે બદલાવવા જઈ રહ્યા હતા એ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ.’

ચારમાંનો એક આરોપી મુંબઈ પોલીસનો કૉન્સ્ટેબલ છે.

જપ્ત કરવામાં આવેલી રકમમાંથી અડધી રકમ મુંબઈના કોઈ બિઝનેસમૅનની છે અને બાકીની રકમ આરોપીઓની છે. આ ઘટનાની જાણ પણ ઈન્કમ-ટૅક્સને કરવામાં આવી છે.