મંત્રાલયમાં મોરલો કળા કરી ગયો

25 January, 2021 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંત્રાલયમાં મોરલો કળા કરી ગયો

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહી કરેલી ફાઇલમાં છેડછાડ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ મામલામાં અજાણ્યા આરોપી સામે મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પીડબ્લ્યુડી વિભાગના સુપરટેન્ડિંગ એન્જિનિયર સામે તપાસ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર મુખ્ય પ્રધાને સહી કરીને સંબંધિત વિભાગમાં મોકલી આપી હતી. જોકે મુખ્ય પ્રધાનની સહીની ઉપર લાલ અક્ષરના રિમાર્કમાં તપાસ રોકવાનું નોંધાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ખૂબ ગંભીર બાબત હોવાથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

સંબંધિત વિભાગે આ બાબતે મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં પૂછપરછ કરતાં તેમણે આવો રિમાર્ક ન કર્યો હોવાનું જણાતાં કોઈકે ફાઇલમાં છેડછાડ કરી હોવાની શક્યતા છે. આ બાબત ઑક્ટોબર મહિનામાં સામે આવતાં મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરાઈ છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ જેજે સ્કૂલ ઑફ આર્ટ્સના કામમાં આર્થિક ગેરરીતિ આચરાઈ હોવાની શંકા જતાં પીડબ્લ્યુડી વિભાગના કેટલાક એન્જિનિયરો સામે બીજેપીની અગાઉની સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. અત્યારની સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ માટે મુખ્ય પ્રધાનની મંજૂરી માગવામાં આવી હતી. મુખ્ય પ્રધાને ડિપાર્ટમેન્ટલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

પીડબ્લ્યુડી પ્રધાન અશોક ચવાણે કેટલાક એન્જિનિયરોની તપાસ કરવાની ભલામણ કરતી ફાઇલ મુખ્ય પ્રધાનને મોકલી હતી. મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ ફાઇલ મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી પીડબ્લ્યુડી વિભાગમાં પાછી આવી ત્યારે મુખ્ય પ્રધાનની સહીની ઉપર રિમાર્ક હતો જેમાં તપાસ બંધ કરવાનું લખ્યું હતું. આ બાબતે શંકા જતાં આખો મામલો સામે આવ્યો હતો.

મરીન ડ્રાઇવ પોલીસે તપાસના આદેશની ફાઇલમાં છેડછાડ કરનાર અજાણ્યા આરોપી સામે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી હોવાનું ઝોન-૧ના ડીસીપી શશીકુમાર મીનાએ જણાવ્યું હતું.

mumbai mumbai news marine lines uddhav thackeray mantralaya