કાર્ટર રોડ છે ડેબ્રીઝ માફિયાનો નવો અડ્ડો

25 May, 2022 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેરકાયદે કાટમાળ ઠાલવવાની પ્રવૃત્તિઓને કારણે મૅન્ગ્રોવ્ઝનું નિકંદન નીકળી રહ્યું હોવાની ફરિયાદ છતાં નથી એનો કોઈ ઉકેલ

કાટમાળ જમીનને અવરોધી રહ્યો હોવાના પરિણામે મૅન્ગ્રોવ્ઝનું નિકંદન નીકળી રહ્યું હોવાનો ગ્રીન ઍક્ટિવિસ્ટે દાવો કર્યો હતો.


મુંબઈ : બાંદરામાં કાર્ટર રોડ નજીક મૅન્ગ્રોવ્ઝ પાસે ગેરકાયદે કાટમાળ ઠાલવવાની પ્રવૃત્તિ ફરી એક વખત સપાટી પર આવી છે. શહેરના ગ્રીન ઍક્ટિવિસ્ટે આ મામલે કોંકણની કમિશનર ડિવિઝન ઑફિસ, ડીસીએફ મૅન્ગ્રોવ્ઝ સેલ, મુંબઈ સબર્બન કલેક્ટર, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બ્યુરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓને પત્ર મોકલ્યો છે. કાટમાળને કારણે આ વિસ્તારનાં મૅન્ગ્રોવ્ઝનો ખાતમો થઈ રહ્યો હોવાના દાવા સાથે એન્વાયર્નમેન્ટલિસ્ટ સ્ટાલિન ડી.એ કહ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી વિવિધ ઑથોરિટીને આ વિશે ફરિયાદ કરી રહ્યા છીએ, પણ સમસ્યા ઠેરની ઠેર છે.
મૅન્ગ્રોવ્ઝ સેલના અધિકારીઓએ એક કરતાં વધુ વખત આ જગ્યાની મુલાકાત લીધી હતી અને શહેર કૉર્પોરેશન અને કલેક્ટરને કાટમાળ દૂર કરવાની તાકીદ કરી હતી, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
વનશક્તિ એનજીઓના સ્ટાલિન ડી.એ પત્રમાં જણાવ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી અમે કાર્ટર રોડ પાસે મૅન્ગ્રોવ્ઝ પર કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ કરી રહ્યા છીએ. રાજ્યના મૅન્ગ્રોવ્ઝ સેલે ઘણી વખત આ જગ્યાની મુલાકાત લઈને કૉર્પોરેશન તથા કલેક્ટરને કાટમાળ દૂર કરવાનું જણાવતો પત્ર મોકલ્યો હતો, પણ અમને એ જોઈને નિરાશા થઈ છે કે ઑથોરિટીએ હજી સુધી કોઈ પગલાં ભર્યાં નથી. એને પરિણામે મૅન્ગ્રોવ્ઝ ખતમ થઈ રહ્યાં છે. રિઝોફોરા મ્યુક્રોનેટા, એવિસેનિયા મરીના જેવાં વિશાળ વૃક્ષો દટાઈ ગયાં છે અને પાણી વિના એમના અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે.’
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘અમે નથી જાણતા અને પ્રામાણિકતાપૂર્વક કહું તો જાણવાની પરવા પણ નથી કે એ જગ્યા કોના અધિકારક્ષેત્રમાં આવે છે, પણ હકીકત એ છે કે અદાલતના આદેશ મુજબ શહેર કૉર્પોરેશને કાટમાળ દૂર કરવો જોઈએ. અમે તમારા અવલોકન માટે જગ્યાની તસવીરો મોકલી રહ્યા છીએ. સાથે જ અમે કાટમાળ હટાવવાની માગણી કરતા વન વિભાગના પત્રો પણ મોકલી રહ્યા છીએ.’ 
એનજીઓએ દાવો કર્યો હતો કે આ વિસ્તારને પુનઃ સ્થાપિત કરવાની મૅન્ગ્રોવ્ઝ પ્રોટેક્શન કમિટીની વારંવારની વિનંતીઓ તથા તાકીદોની અવગણના કરવામાં આવી છે. સ્ટાલિન ડી.એ જણાવ્યું હતું કે ‘આ સીઆરઝેડ જાહેરનામા અને ૨૦૦૬ની પીઆઇએલ ૮૭માં બૉમ્બે હાઈ કોર્ટે પસાર કરેલા આદેશનો ભંગ છે. આશા છે કે મામલાની ગંભીરતા સમજીને એને ફક્ત કાગળ પૂરતો સીમિત ન રાખતાં નક્કર કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai news bandra