નવા વર્ષમાં કાર, ટૂ-વ્હીલર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મોંઘાં થશે

31 December, 2014 03:23 AM IST  | 

નવા વર્ષમાં કાર, ટૂ-વ્હીલર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મોંઘાં થશે




સરકારે ઑટો ઉદ્યોગને અપાયેલી એક્સાઇઝ ડ્યુટીની કરરાહતોની મુદત નહીં વધારવાનો નિર્ણય લીધો હોવાથી નવા વર્ષથી કાર, SUV અને ટૂ-વ્હીલર તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મોંઘાં થશે.

નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગઈ કાલે આ બન્ને ઉદ્યોગોને આપવામાં આવેલી કરછૂટની મુદત નહીં વધારવાની જાહેરાત કરી હતી. UPA સરકારે આ કરછૂટ ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં આપી હતી, જેને નવી NDA સરકારે ૩૧ ડિસેમ્બર સુધી યથાવત રાખી હતી.

સરકાર આ વર્ષે રાજકોષીય ખાધને કુલ રાષ્ટ્રીય પેદાશના ૪.૧ ટકા સુધી સીમિત રાખવા માગતી હોવાથી એણે પોતાની મહેસૂલી આવક વધારવાના હેતુસર આ નિર્ણય લીધો હોવાનું જણાય છે.

SUV પરની એક્સાઇઝ ડ્યુટી ૩૦ ટકાથી ઘટાડીને ૨૪ ટકા અને મધ્યમ સ્તરની કાર માટે ૨૪ ટકાથી ઘટાડીને ૨૦ ટકા તથા મોટી કાર માટે  ૨૭ ટકાથી ઘટાડીને ૨૪ ટકા કરવામાં આવી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રે એક્સાઇઝ ૧૨ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી હતી.