આરોપી ફૈયાઝની ચોંકાવનારી કબૂલાત : એકસાથે ૧૫,૦૦૦ લોકોને મારી નાખવા માગતો હતો

29 June, 2026 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોહરમના સરઘસમાં વ્યવસ્થાના ભાગરૂપે સેવા આપી રહેલી ૩ મહિલા વૉલન્ટિયર્સે શંકા જતાં તેને અટકાવ્યો હતો

કૅપ્સ્યુલમાં ઝિન્ક ફૉસ્ફાઇડ ભરીને માસ કિલિંગનો પ્લાન બનાવનાર પુણેનો ફૈયાઝ પ્રેમજી.

ભાયખલામાં શુક્રવારે મોહરમના સરઘસમાં ભાગ લઈ રહેલા મુસ્લિમ બિરાદરોને પેઇનકિલરના બહાને ઉંદર મારવાની ઝેરી દવા (ઝિન્ક ફૉસ્ફાઇડ)ની કૅપ્સ્યુલ આપનાર પુણેના ફૈયાઝ પ્રેમજીએ એવી કબૂલાત કરી છે કે તે એકસાથે ઓછામાં ઓછા ૧૫,૦૦૦ લોકોને મારી નાખવા માગતો હતો. તે આવું શા માટે કરવા માગતો હતો એની તપાસ ચાલી રહી છે.

મોહરમના એ સરઘસમાં ફૈયાઝ ભળી ગયો હતો અને ઇમામ હુસેનની યાદમાં પોતાના શરીરને કષ્ટ આપીને તેમની શહાદતને યાદ કરનારા મુસ્લિમ બિરાદરોને તે ઝિન્ક ફૉસ્ફાઇડની કૅપ્સ્યુલ વહેંચતો હતો. સરઘસ રે રોડના રહેમતબાગ કબ્રસ્તાન પાસે પહોંચ્યું ત્યારે તેના કૅપ્સ્યુલ વહેંચવા પર શંકા જવાથી ૩ મહિલા વૉલન્ટિયર્સે તેને અટકાવ્યો હતો અને પૂછ્યું હતું કે કેમ તે કૅપ્સ્યુલ વહેંચી રહ્યો છે? ત્યારે તેણે કહ્યું કે એ પેઇનકિલર છે અને એ કૅપ્સ્યુલ લેવાથી ઇમ્યુનિટી વધે છે. જોકે એમ છતાં તેમણે તેને એમ કરતાં રોક્યો હતો અને ત્યાર બાદ કૅપ્સ્યુલ ખોલીને જોતાં એમાંથી પાઉડર નીકળ્યો હતો એટલે વધુ શંકા જતાં તેમણે આયોજકોને કહીને લાઉડસ્પીકર પર અનાઉન્સમેન્ટ કરાવડાવી કે કોઈ આ કૅપ્સ્યુલ ખાય નહીં. લોકોએ કૅપ્સ્યુલ ન લીધી એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે એ કૅપ્સ્યુલ ખાનારા લોકોમાંથી ૧૧ જણને એની અસર થઈ હતી. તેમને ઊબકા આવવા અને પેટમાં ચૂંક આવવા જેવી તકલીફો થઈ હતી. તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. એમાંથી એક જણની હાલત ગંભીર હતી. એ સૌને સારવાર આપવામાં આવતાં ઝેરી દવાનું જોખમ ઘટી ગયું હતું.

૧૫ દિવસથી કૅપ્સ્યુલમાં ઝિન્ક ફૉસ્ફાઇડ ભરીને તૈયાર કરી રહ્યો હતો

ભાયખલા પોલીસે ફૈયાઝની ધરપકડ કરીને તેની પાસેથી ૧૪,૯૦૦ કૅપ્સ્યુલ અને ઝિન્ક ફૉસ્ફાઇડનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. મૂળ પુણેના વિમાનનગરમાં રહેતા અને બૅચલર ઑફ બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશનમાં ગ્રૅજ્યુએશન કરનાર ફૈયાઝે એમ પણ કહ્યું છે કે તે છેલ્લા ૧૫ દિવસથી કૅપ્સ્યુલમાં ઝિન્ક ફૉસ્ફાઇડ ભરીને એને તૈયાર કરી રહ્યો હતો. પોલીસે તેનો મોબાઇલ ફોન અને આધાર કાર્ડ જપ્ત કરીને એના આધારે વધુ તપાસ ચાલુ કરી છે. તેના કૉલ ડીટેલ્સ રેકૉર્ડ્સના આધારે તે કોની સાથે સંપર્કમાં હતો અને કઈ-કઈ સાઇટ જોતો હતો એ બાબતે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

mumbai news mumbai byculla mumbai crime news Crime News mumbai police