મોતને મ્હાત ચુકેલી વસઈની મહિલા KBCમાં જીતી 1 કરોડ

15 October, 2014 02:33 AM IST  | 

મોતને મ્હાત ચુકેલી વસઈની મહિલા KBCમાં જીતી 1 કરોડ




રુચિતા શાહ

વસઈમાં રહેતાં ૪૯ વર્ષનાં કૅન્સર-પેશન્ટ મેઘા પાટીલ ‘કૌન બનેગા કરોડપતિ’માં એક કરોડ રૂપિયા જીત્યાં છે. મેઘાને ૨૦૦૬માં ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર ડિટેક્ટ થયું હતું. તેમની કન્ડિશન જોતાં ડૉક્ટરે તેમને ૬ મહિનાથી વધુ નહીં જીવી શકો એવું કહી દીધું હતું. તેમણે ઑપરેશન કરાવ્યું એ પછી બીજા જ વર્ષે તેમને લિવરમાં કૅન્સર ડિટેક્ટ થયું હતું. એની ટ્રીટમેન્ટ આજ સુધી ચાલી રહી છે. ૧૬ અને ૨૦ ઑક્ટોબરે સોની ચૅનલ પર સાડાઆઠ વાગ્યે ટેલિકાસ્ટ થનારા આ એપિસોડમાં મેઘા પાટીલ દેખાવાનાં છે જેમાં ૧૬ ઑક્ટોબરે તેઓ હૉટ સીટ પર આવશે અને ૩ સવાલના જવાબ આપશે તથા ૨૦ ઑક્ટોબરે બાકીના ૯ પ્રશ્નોના સાચા જવાબ આપીને એક કરોડ રૂપિયા જીતશે.

 બે વખત કૅન્સર

૨૦૦૬માં બ્રેસ્ટ-કૅન્સર ડિટેક્ટ થયું ત્યારે ડૉક્ટરોએ કહી દીધેલું કે હવે ૬ મહિનાથી વધુ સમય આ પરિસ્થિતિમાં નહીં કાઢી શકાય. એ વિશે મેઘા પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ ત્રીજા સ્ટેજનું કૅન્સર હતું. બચવાના ચાન્સ ઓછા હતા. તાબડતોબ ઑપરેશન કરાવવું પડ્યું હતું. એ પછી પણ ક્યારે જિંદગી પૂરી થશે એની કોઈ ચોક્કસ ખાતરી નહોતી. જોકે એ દરમ્યાન હસબન્ડ અને મારી મોટી બહેને મને ખૂબ પૉઝિટિવ બનાવી દીધી હતી. હવે જે સ્થિતિ છે એને પૉઝિટિવલી સ્વીકારીને આગળ વધ એવું સતત આશ્વાસન મળતું. બધું સારું થશે, હવે ટેક્નૉલૉજી બહુ આગળ છે, બધાના ઇલાજ છે એમ કહી-કહીને તેમણે મારા મગજમાંથી મરવાનો ભય કાઢી નાખ્યો હતો. એ બધાને કારણે પૉઝિટિવિટી આવી અને દવા પણ અસર દેખાડવા લાગી અને જાણે મિરૅકલ થયું. કૅન્સરમાંથી હું રિકવર થવા માંડી.’

 જોકે કૅન્સર મૂળમાંથી નીકળ્યું નહોતું. બ્રેસ્ટ-કૅન્સરમાંથી સાજા થયાના એક જ વર્ષમાં મેઘાના લિવરમાં કૅન્સર ડિટેક્ટ થયું. આજ સુધી એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

KBCમાં એન્ટ્રી

૨૦૦૦માં જ્યારથી આ શોની શરૂઆત થઈ હતી ત્યારથી મેઘા આ શોનાં બહુ મોટાં ફૅન હતાં. તેમણે કહ્યું હતું કે ‘મને વાંચવાનો શોખ હતો. પહેલેથી જ મારી જાતને દેશ-દુનિયામાં ચાલતી ઘટનાઓથી અપડેટ રાખતી હતી. એવામાં આ શો શરૂ થયો ત્યારે એમાં જનરલ નૉલેજને લગતી બાબતો હતી એટલે એ મારો ફેવરિટ શો બની ગયો હતો. આટલાં વષોર્થી ચાલતા આ શોના લગભગ બધા જ એપિસોડ મેં જોયા છે. અમે આખો પરિવાર સાથે બેસીને શો જોતાં. શોમાં સવાલ આવે અને હું જવાબ આપતી. મોટા ભાગે મારા જવાબ સાચા પડતા એટલે બે વર્ષ પહેલાં મારા દીકરાએ મને કહ્યું કે મમ્મી તું પણ આ શોમાં રમવા જા. મને થયું કે વાતમાં દમ છે. મેં ગયા વર્ષે અપ્લાય કર્યું. મારું સિલેક્શન પણ થઈ ગયું, પરંતુ બે ટેસ્ટમાં પાસ થયા પછી તેમના તરફથી એક ફોન આવે. એ વખતે મારી કૅન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે કદાચ અમે હૉસ્પિટલમાં હોઈએ અને બાળકો પણ ભણવા ગયાં હોય એ ગાળામાં ફોન આવ્યો હોય એવું બને એટલે એને લીધે ગયા વર્ષે નંબર ન લાગ્યો. જોકે આ વર્ષે હું ખૂબ સાવચેત હતી. ક્યાંય પણ બહાર જવાનું થતું તો દીકરીને ઘરે રાખીને જતી કે કોઈ કૉલ મિસ ન થાય.’

એ પછી તો જાણે કિસ્મત ઊઘડી ગઈ હોય એમ ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ર્ટમાં પણ તેમનું લક કામ કરી ગયું અને હૉટ સીટ પર બેસીને તેઓ એક કરોડ રૂપિયા જીતી શક્યાં.

બિગ બી સાથેનો અનુભવ

કૅન્સર સામે બાથ ભીડીને મોતને હાથતાળી આપી પાછાં ફરેલાં મેઘા અમિતાભ બચ્ચનને મળ્યા પછી તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો હોય એટલાં ખુશ હતાં. બિગ બીની તારીફ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આવા માણસો સદીઓમાં એકાદ પાકતા હોય છે. તેઓ ખરેખર ખૂબ જ લવિંગ અને કૅરિંગ સ્વભાવના છે. તેમનો વાતચીત કરવાનો ઢંગ એટલો સાલસ છે કે તેમની સાથે વાત કરીને જ તમે ટેન્શન-ફ્રી થઈ જાઓ. તમને જોઈને તેઓ તમારા મનની વાત, તમારા મનની મૂંઝવણ સમજી જાય. તેઓ ખરેખર ઑલરાઉન્ડર છે.’

ઇનામની રકમનું શું કરશો?

ઇનામમાં મળેલા એક કરોડ રૂપિયાનું શું કરશો એવો પ્રશ્ન પૂછતાં મેઘા પાટીલે કહ્યું હતું કે ‘આમાંથી ઘણીબધી રકમ તો ટૅક્સરૂપે કપાઈ જશે. એ પછી જે બચશે એમાંથી સૌપ્રથમ અમે લોનપેટે જે પૈસા બહારથી લાવ્યાં હતાં એ ચૂકવીશું. અમે એક મિડલ ક્લાસ પરિવારના છીએ. મારી કૅન્સરની સારવાર માટે લગભગ ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ માટે અમારે લોન લેવી પડી હતી. એ ઉપરાંત બાળકોના હાયર એજ્યુકેશન માટે પણ આ ઇનામની રકમનો ઉપયોગ કરીશું.’