હાર્ડવર્ક, હાર્ડવર્ક અને હાર્ડવર્ક

02 December, 2020 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્ડવર્ક, હાર્ડવર્ક અને હાર્ડવર્ક

ઇન્ટરનૅશનલ અચીવર ઓમ મહેતા

ઘાટકોપરની ધ યુનિવર્સલ સ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી ઓમ રાકેશ મહેતાએ ઇન્ટરનૅશનલ જનરલ સેકન્ડરી એજ્યુકેશન (આઇજીસીએસઈ)ની માર્ચ ૨૦૨૦ની એક્ઝામમાં ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી કમ્પ્યુટરમાં આપણા દેશમાં સૌથી હાઇએસ્ટ માર્ક મેળવીને કૅમ્બ્રિજ આઉટસ્ટૅન્ડિંગ અચીવર અવૉર્ડ મેળવ્યો છે. તેને મળેલી આ સિદ્ધિ બદલ ઓમ તેના હાર્ડવર્ક સાથે તેનાં મમ્મી-પપ્પા અને પરિવારજનોને શ્રેય આપે છે.

ઓમ મહેતાએ તેને મળેલી સિદ્ધિ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બહારની ઘણી ઑલિમ્પિયાડ અને પદ્ધતિપરીક્ષા હોવાથી હું એમાં બિઝી હતો, જેને કારણે મેં ફક્ત પરીક્ષાના છેલ્લા બે મહિનામાં જ તૈયારી કરી હતી. મને પહેલેથી કમ્પ્યુટરમાં ખૂબ જ રસ છે. આ અગાઉ પણ યુનિફાઇડ કાઉન્સિલ સિલ્વર ઝોન વગેરે દ્વારા લેવાતી ઇન્ટરનૅશનલ સાઇબર ઑલિમ્પિયાડમાં હું ટૉપ ફાઇવમાં આવ્યો છું. બેથી ત્રણ વાર મને સ્ટેટ ટૉપર અવૉર્ડ પણ મળ્યો છે. આ વર્ષે જ મે મહિનામાં કૉલેજ બોર્ડ દ્વારા લેવાયેલી ઍડ્વાન્સ પ્લેસમેન્ટ પરીક્ષામાં મને પાંચમાંથી પાંચ બૅન્ડ મળ્યાં હતાં. તદુપરાંત સાઉથ એશિયા પૅસિફિક મૅથ્સ ઑલિમ્પિયાડમાં મને સિલ્વર મેડલ મળ્યો હતો. મારા વડીલો મને કહે છે કે જે મહેનત કરે છે તેને હંમેશાં ફળ મળે છે. વધારે મહેનત કરનારને વધારે મળે છે. મેં ઓછા સમય મહેનત કરી છતાં મને આટલી મોટી સફળતા મળી, કારણ કે એ બે મહિના મેં જબરદસ્ત હાર્ડવર્ક કર્યું હતું. આ હાર્ડવર્કની સાથે મારાં મમ્મી-પપ્પા અને વડીલોનો મને નાનપણથી જ ભણવામાં સપોર્ટ મળતો રહ્યો છે. તેઓની પ્રેરણા અને પ્રોત્સાહન વગર કોઈ પણ સિદ્ધિ મળવી અશક્ય છે. તેમની સાથે મારા ટીચર પણ મને હંમેશાં પ્રોત્સાહિત કરતા રહ્યા છે જએને લીધે મારી હિંમતમાં સતત વધારો થતો રહે છે.’

અમારા કરતાં તો ઓમના સ્કૂલ-ટીચરનો આત્મવિશ્વાસ વધુ હતો. તેમણે તો અગાઉથી જ ઓમને કહ્યું હતું કે તું ઇન્ડિયાનો ટૉપર બનીશ એવી જાણકારી આપતાં ઓમના ડેન્ટિસ્ટ પપ્પા ડૉ. રાકેશ મહેતા અને તેની મમ્મી ગોપી મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે નાનપણથી જ ઓમ ભણવામાં અને રમતગમતમાં રસપૂર્વક મહેનત કરતો આવ્યો છે. તેનામાં ધગશ અને જિજ્ઞાસા સાથે હાર્ડવર્કના ગુણો રહેલા છે. હંમેશાં તેના ટાર્ગેટને અચીવ કરવા માટે ઓમ ભારે જહેમત ઉઠાવતો રહ્યો છે. ભણતર સાથે તેણે સ્પોર્ટ્સમાં પણ અનેક સિદ્ધિ મેળવી છે.’

mumbai mumbai news ghatkopar