સીએમની જમાઈગીરી : સાસુની ચાકરી માટે હૉસ્પિ.ની નર્સોને બંગલા પર મોકલાવી

08 October, 2011 05:01 PM IST  | 

સીએમની જમાઈગીરી : સાસુની ચાકરી માટે હૉસ્પિ.ની નર્સોને બંગલા પર મોકલાવી

 

પ્રિયંકા વોરા


મુંબઈ, તા. ૮

 

પ્રધાન પૃથ્વીરાજ ચવાણે બીમાર સાસુની ચાકરી કરાવવા કામા હૉસ્પિટલની નર્સોને નિયમ વિરુદ્ધ પોતાના બંગલા પર મોકલાવી


પરિચિતોમાં ‘માસાહેબ’ તરીકે જાણીતા પૃથ્વીરાજ ચવાણનાં સાસુ માંદાં હોવાને કારણે બુધવારે કામા હૉસ્પિટલની ત્રણ નર્સોને મુખ્ય પ્રધાનના બંગલે મોકલવાનું ફરમાન છોડવામાં આવ્યું હતું. નર્સોએ તો પહેલાં હૉસ્પિટલની બહાર જઈને ફરજ બજાવવાની આનાકાની કરી હતી, પણ આખરે સરકારી દબાણ સામે તેમણે નમવું જ પડ્યું હતું.


આ સરકારી હૉસ્પિટલમાં કામ કરતા એક સિનિયર ડૉક્ટરે કહ્યું હતું કે ‘સામાન્યપણે અમે નર્સોની ડિગ્નિટીને જોખમમાં મૂકીને તેમને ક્યારેય બહાર ફરજ બજાવવા નથી મોકલતા. જોકે આ ઑર્ડર મુખ્ય પ્રધાનની કચેરીમાંથી આવ્યો હોવાને કારણે કોઈ ના નહીં પાડી શક્યું હોય. એક તબક્કે વહીવટી સ્ટાફને અલગ-અલગ વિભાગમાં મોકલવામાં આવતો હોય છે, પણ અમે ક્યારેય સારવાર માટે નર્સને બહાર મોકલવામાં આવી હોય એવું નથી સાંભળ્યું.’


માસાહેબની સારવાર કરવા ગયેલી નર્સોના કહેવા પ્રમાણે તેઓ ચાલી શકતાં નથી અને તેમને વૉકરની જરૂર પડે છે. જોકે ત્યાં નર્સોને ફાળે માત્ર તેમને દવા આપવાનું અને તેમનું બ્લડપ્રેશર ચેક કરવાનું કામ જ આવે છે. આ ઘટનાક્રમ વિશે કામા ઍન્ડ આલ્બલેસ હૉસ્પિટલની એક નર્સે‍ કહ્યું હતું કે ‘અહીં આમ પણ સ્ટાફની તંગી છે. આ નર્સોને બહાર મોકલી દેવાના નર્ણિયને કારણે બીજી નર્સોએ ડબલ ડ્યુટી કરવી પડે છે.’


આ મુદ્દે વાત કરવા માટે વારંવાર પ્રયાસ કરવા છતા જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સના ડીન ટી. પી. લહાને અને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સાથે વાત કરવાનું શક્ય નહોતું બન્યું.