31 ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓનો ઉગ્ર વિરોધ કરવાની કૅઇટની ઘોષણા

20 November, 2020 09:47 AM IST  |  Mumbai | Rohit Parikh

31 ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓનો ઉગ્ર વિરોધ કરવાની કૅઇટની ઘોષણા

ઈ-કૉમર્સ

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી-કૅઇટ) દ્વારા આજથી ૩૧ ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે. આ યુદ્ધ અંતર્ગત આ સંગઠન આજથી ૪૦ દિવસ સુધી ઍમેઝૉન સહિત બધી ઈ-કૉમર્સ કંપનીઓનો વિરોધ કરશે અને સરકાર પાસે તરત જ ઈ-કૉમર્સ પૉલિસી જાહેર કરવાની માગણી કરશે.

આ બાબતે માહિતી આપતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, મુંબઈ મહાનગરના અધ્યક્ષ શંકર વી. ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશમાં ઈ-કૉમર્સ કંપનીઓ એફડીઆઇની સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પૉલિસીના ધજાગરા ઉડાડી રહી છે. આ કંપનીઓ દેશના રીટેલ વેપાર પર કબજો કરવાનો મનસૂબો ધરાવે છે. અમારા ૪૦ દિવસના આંદોલન દરમ્યાન અમે કેન્દ્ર સરકાર સમક્ષ ઈ-કૉમર્સ પૉલિસી અને ઈ-કૉમર્સ રેગ્યુલેટરી ઑથોરિટી ગઠિત કરે કે તરત ઘોષણા કરવાની માગણી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈ-કૉમર્સ કંપનીઓને તેમના રાજ્યમાં માલ વેચવા પર રોક લગાડવાની જરૂર છે. આ કંપનીઓ સાથે ગેરકાયદે રીતે સંકળાયેલી અનેક બૅન્કો આ કંપનીઓના પોર્ટલ પરથી માલ ખરીદવા માટે ગ્રાહકોને કૅશ-બૅક અને ડિસ્કાઉન્ટની મોટી લાલચ આપે છે.

આ કંપનીઓ યોજનાબદ્ધ રીતે દેશનો ડેટા લીક કરે છે. એનું ઉદાહરણરૂપે શંકર ઠક્કરે કહ્યું હતું કે કોઈ સરકારી યોજના દ્વારા કાંઈ બુક કરવામાં આવે તો એ વ્યક્તિ પાસે તરત જ આ કંપનીઓનો મેસેજ પહોંચી જાય છે.

mumbai mumbai news