દિલ્હી ઇફેક્ટ : મુંબઈમાં 9 માર્ચ સુધી જમાવબંધી પર પ્રતિબંધ

01 March, 2020 10:53 AM IST  |  Mumbai

દિલ્હી ઇફેક્ટ : મુંબઈમાં 9 માર્ચ સુધી જમાવબંધી પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં ફાટી નીકળેલાં રમખાણને પગલે સાવચેતીના પગલારૂપે મુંબઈમાં ૯ માર્ચ સુધી જમાવબંધી લાગુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આવો આદેશ ગઈ કાલે જારી કર્યો હતો. નાગરિક સુધારા કાયદા (સીએએ)નો વિરોધ કરવાના મામલામાં દિલ્હીમાં ફાટી નીકળેલાં રમખાણમાં અત્યાર સુધી ૪૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યારે દિલ્હીમાં તંગદિલીભર્યું શાંતિનું વાતાવરણ છે, પરંતુ દિલ્હીના પડઘા મુંબઈમાં પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ જમાવબંધી લાદી છે.

દિલ્હીના શાહીનબાગની જેમ મુંબઈમાં પણ કેટલાક દિવસોથી સીએએના વિરોધમાં મોરચા કઢાઈ રહ્યા છે. આવા મોરચામાં કોઈ અપ્રિય ઘટના આકાર લઈ શકે છે. આને લીધે જાનમાલને નુકસાન થવાની ભીતિને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ સાવધ બની છે. પોલીસના આદેશ મુજબ ૯ માર્ચ સુધી શહેરમાં કોઈ પણ પ્રકારના મોરચાને મંજૂરી નહીં અપાય. એક સ્થળે પાંચથી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. ટોળે વળીને સૂત્રોચ્ચાર નહીં કરી શકે. અપવાદરૂપે કોઈક કાર્યક્રમને અગાઉથી મંજૂરી લીધા બાદ કરવા દેવાશે.

જમાવબંધીના આદેશમાં લગ્નસમારંભ, અંતિમક્રિયા, કંપની અને સહકારી સંસ્થાની બેઠકો, થિયેટર, ક્લબમાં થતા કાર્યક્રમો અને સંસ્થાની નિયમિત સભાઓને બાકાત રખાઈ છે.

૨૪ માર્ચ સુધી મિની પ્લેન, ડ્રૉન ઉડાવવા પર પ્રતિબંધ

આકાશમાંથી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને મુંબઈને ૨૪ માર્ચ સુધી પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે. આ સમય દરમ્યાન મિની પ્લેન અને ડ્રૉન નહીં ઉડાવી શકાય. આ સિવાય ૧૮ એપ્રિલ સુધી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ફ્રી ફ્લાય ઝોનમાં પેરાગ્લાઇડર, બલૂન, ફટાકડા, પતંગ ઉડાવવા અને લેસર લાઇટ પર પ્રતિબંધ મુકાયો છે.

mumbai mumbai news caa 2019