ભાયખલામાં મોહરમના સરઘસમાં પેઇનકિલર ટૅબ્લેટને બદલે ઉંદર મારવાની દવા અપાઈ, એકની હાલત ગંભીર

28 June, 2026 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી પકડાયો પુણેથી : ૩૦,૦૦૦ ખાલી કૅપ્સ્યુલ અને ૧૦૦ કિલો ઝિન્ક ફૉસ્ફાઇડ ઑનલાઇન ખરીદ્યાં હતાં : ૨૦૨૫માં ઈરાન અને ઇરાકની મુલાકાતે ગયો હતો : સામૂહિક કિલિંગનો પ્લાન હતો કે કેમ એ વિશે ઝીણવટભરી તપાસ થઈ રહી છે

આરોપી પાસેથી મળી આવેલી ઝિન્ક ફૉસ્ફાઇડ ભરેલી કૅપ્સ્યુલ્સ. પોલીસે ઝડપી લીધેલો ૩૯ વર્ષનો આરોપી ફૈયાઝ પ્રેમજી.

મોહરમના સરઘસમાં મુસ્લિમ બિરાદરો ઇમામ હુસૈનની શહાદતની યાદમાં પોતાના શરીરને ઈજા પહોંચાડીને તેમણે આપેલા બલિદાનને યાદ કરવાની પ્રથા નિભાવતા હોય છે. જોકે એ બહુ જ કષ્ટદાયક હોય છે. એથી તેમને એ ઈજાનું દુઃખ ન થાય એ માટે પેઇનકિલર ગોળીઓ આપવામાં આવતી હોય છે. ભાયખલામાં મોહરમના સરઘસમાં પેઇનકિલર ટૅબ્લેટને બદલે ઉંદર મારવાની દવાની ગોળીઓ આપવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે એટલું જ નહીં, એ ખાવાને કારણે એક જણની હાલત ગંભીર થઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે માહિતી મળતાં તરત જ ઍક્શન લઈને એક જણની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૪,૯૦૦ ઝેરી ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી. 

આ કેસની વિગતો આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ જયંત મીણાએ કહ્યું હતું કે ‘આરોપીએ ચોક્કસ લોકોને ટાર્ગેટ કરીને તેમને મારવા માટે અને હાનિ પહોંચાડવા ઑનલાઇન ૩૦,૦૦૦ ખાલી કૅપ્સ્યુલ અને ૧૦૦ કિલો ઝિન્ક ફૉસ્ફાઇડ (ઉંદર મારવાની ઝેરી દવા) ઑર્ડર કર્યાં હતાં. તેણે દરેક કૅપ્સ્યુલમાં એક-એક ગ્રામ આ ઝેરી દવા ભરીને એ કૅપ્સ્યુલ તૈયાર કરી હતી. સરઘસમાં આ કૅપ્સ્યુલ પેઇનકિલર તરીકે કામ કરે છે એમ કહીને એનું તે વિતરણ કરી રહ્યો હતો.’ 

આરોપીનો સામૂહિક કિલિંગનો પ્લાન હતો કે કેમ એ બાબતની ઝીણવટભરી તપાસ ચાલુ કરવામાં આવી છે. 

સરઘસમાં સામેલ કેટલાક લોકોએ એ કૅપ્સ્યુલ ખાધા પછી તેમને પેટમાં દુખાવો અને ઊલટીઓ થવા માંડ્યાં હતાં. એથી કેટલાક લોકોએ આ બાબતે રાતે જ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ ઍક્શન લઈને એ ગોળીઓ વહેંચનાર ૩૯ વર્ષના ફૈયાઝ પ્રેમજીનો મોબાઇલ-નંબર શોધી કાઢ્યો હતો. તે મૂળ પુણેના વિમાનનગરનો રહેવાસી છે. પોલીસે તેને તેના ઘરમાંથી ઉઠાવી લીધો હતો. તેની પાસેથી ૧૪,૯૦૦ તૈયાર કૅપ્સ્યુલ મળી આવી હતી અને સાથે જ ૫૦ કિલો ઝિન્ક ફૉસ્ફાઇડ પણ મળી આવ્યું હતું. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે તે ૨૦૨૫માં ઈરાન અને ઇરાક જઈ આવ્યો હતો. જો એ બધી જ કૅપ્સ્યુલ લોકોમાં વહેંચાઈ હોત તો બહુ મોટી ખાનાખરાબી થઈ શકી હોત. એથી પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ કરીને તેણે આવું શા માટે કર્યું અને તેનો શું ઇરાદો હતો એ જાણવાનો પ્રયાસ કરી રહી છે. તે કોઈ ઇન્ટરનૅશનલ ટેરરિસ્ટ ગ્રુપ સાથે સંકળાયેલો છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news byculla