16 July, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાયખલા
સેન્ટ્રલ રેલવે દ્વારા પાંચમી અને છઠ્ઠી લાઇન પ્રોજેક્ટના ભાગરૂપે આશરે એક સદી જૂના ભાયખલા રેલવે-સ્ટેશનની સંપૂર્ણપણે કાયાપલટ કરવાની જ નહીં, આખેઆખું રેલવે-સ્ટેશન જ અન્ડરગ્રાઉન્ડ બનાવવાની યોજના છે. સાઉથ મુંબઈમાં જમીન-સંપાદનની પ્રક્રિયા ઉપરાંત જેમની જમીન હસ્તગત કરવામાં આવે તેમના પુનર્વસનની પ્રક્રિયા કરવાને બદલે આખું રેલવે-સ્ટેશન જ અન્ડરગ્રાઉન્ડ બનાવવું વધુ સરળ રહેશે એવું સેન્ટ્રલ રેલવેનું માનવું છે.
અન્ડરગ્રાઉન્ડ રેલવે-સ્ટેશન બનાવવું શક્ય છે કે નહીં એ માટે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા અભ્યાસ શરૂ કરી દેવાયો છે. આ માટે પ્રોજેક્ટ ટેક્નિકલ રીતે બનાવવો શક્ય છે કે નહીં, જિયોલૉજિકલ પરિસ્થિતિ કેવી છે, ડિઝાઇન કેવી હોવી જોઈએ તથા ખર્ચ કેટલો આવશે વગેરે બાબતોના અભ્યાસ માટે જપાનની કંપની PADECOને નીમવામાં આવી છે.
આ પ્રોજેક્ટનું પહેલા તબક્કાનું કુર્લા અને પરેલ વચ્ચેનું કામ ચાલુ
આ પ્રોજેક્ટમાં પરેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) દરમ્યાનના ૭.૪ કિલોમીટરના પટ્ટા દરમ્યાન અન્ડરગ્રાઉન્ડ રેલવે-સ્ટેશન બનાવવાની યોજના છે. અહીં આ પટ્ટા પર નવા રેલવે-ટ્રૅક બેસાડવાનું કામ અહીંની ગીચ વસ્તીને કારણે તથા આ પ્રોજેક્ટને કારણે ૫૫૦ લોકોને અસર થવાની હોવાથી તેમના પુનર્વસનની જરૂર હોવાને કારણે અટકેલું છે. આ પ્રોજેક્ટનું પહેલા તબક્કાનું કુર્લા અને પરેલ વચ્ચેનું કામ શરૂ થઈ ગયું છે. જોકે અન્ડરગ્રાઉન્ડ રેલવે-સ્ટેશનના પ્રોજેક્ટને પરવાનગી મળી જાય તો પ્રોજેક્ટનો ખર્ચ અઢીથી ત્રણગણો વધી જાય એવી શક્યતા છે.