26 May, 2025 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીશાન પટેલ (શેખ)
ઘાટકોપર-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે બપોરે ઓવરટેક કરવાના મુદ્દે થયેલા વિવાદમાં સેકન્ડહૅન્ડ કારનો વ્યવસાય કરતા ૩૬ વર્ષના વેપારી ઝીશાન પટેલ (શેખ)ની હત્યા થઈ હતી. આ મામલે પંતનગર પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે વિવિધ ટીમો બનાવીને હત્યા કરીને નાસી જનાર આરોપીની શોધ શરૂ કરી દીધી છે. જોકે ગઈ કાલે મોડી રાત સુધી આરોપીની પોલીસને ભાળ લાગી નહોતી. ઝીશાન કારનો પાર્ટ લેવા માટે કુર્લા જઈ રહ્યો હતો એ સમયે ઓવરટેક કરવાના મુદ્દે વિવાદ થયો હોવાનું કહેવાય છે.
ઘાટકોપર વિભાગના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) શૈલેષ પાસલવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગઈ કાલે બપોરે દોઢ વાગ્યાની આસપાસ વિક્રોલી પાર્કસાઇટ વિસ્તારમાં રહેતો ઝીશાન એક કામદાર સાથે કારમાં કુર્લા કારનો પાર્ટ લેવા જઈ રહ્યો હતો એ સમયે રમાબાઈનગર નજીક મોટરસાઇકલને ઓવરટેક કરવા જતાં બાઇકર સાથે તેનો વિવાદ થયો હતો. એ વિવાદ એટલો વધ્યો હતો કે બાઇકરે ધારદાર હત્યાથી ઝીશાન પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ બાઇકર ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે જખમી થયેલા ઝીશાનને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે અમે આરોપીને શોધવા માટે વિવિધ ટીમો બનાવી છે જેઓ અલગ-અલગ ઍન્ગલ પર કામ કરી રહી છે. આરોપીની અમે જલદી ધરપકડ કરીશું.’
ઝીશાનના સંબંધી નદીમ મુફ્તીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝીશાનને બે બાળકો છે જેઓ ઘાટકોપરની સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં છે. ઝીશાન અમારી સાથે છેલ્લાં ૧૩ વર્ષથી કારના વ્યવસાયમાં જોડાયેલો હતો. ગઈ કાલે વાહનનો પાર્ટ લેવા માટે તે કુર્લા અમારા એક માણસ સાથે જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસને અમારી અપીલ છે કે ગુનેગારોને કોઈ પણ રીતે છોડવામાં ન આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’