સગા ભાઈ પાસેથી પૈસા પડાવવા માટે પોતાના જ અપહરણનો કારસો

09 November, 2012 02:54 AM IST  | 

સગા ભાઈ પાસેથી પૈસા પડાવવા માટે પોતાના જ અપહરણનો કારસો



વિનય દળવી

મુંબઈ, તા. ૯

કલ્યાણના સૌથી પ્રખ્યાત બિલ્ડર અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ૩૪ વર્ષના ગુજરાતી વેપારી પીયૂષ પટેલે બુધવારે તેના સાળા સાથે મળી પોતાનું જ અપહરણ કરાવી તેના સગા ભાઈ પ્રીતેશ પટેલ પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. પ્રીતેશને તેના ભાઈના અપહરણનો ખંડણીભર્યો ફોન આવતાં તરત તેણે કલ્યાણમાં આવેલા બજારપેઠ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની જાણ થતાં પીયૂષ ગભરાઈ ગયો હતો અને તે વિરાર પોલીસ-સ્ટેશને પહોંચી ગયો હતો અને તેણે પોલીસને સ્ટોરીમાં કહ્યું હતું કે ‘એક કાળા રંગની સ્કૉર્પિયો કારમાં કલ્યાણથી મારું ચાર યુવકોએ અપહરણ કર્યું હતું અને તેઓ મને વિરારમાં લઈ ગયા હતા. હું તેમના કબજામાંથી નાસીને આવ્યો છું. મને બચાવી લો.’

જોકે પોલીસની પૂછપરછમાં ફસાઈ જતાં તેણે પોતાના જ કિડનૅપિંગનો ભેદ ખોલી દીધો હતો. આ સંદર્ભે બજારપેઠ પોલીસે ગઈ કાલે પીયૂષ અને તેના સાળા વિજયની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે પ્રીતેશ ડોમ્બિવલીમાં ગૅસ એજન્સી ચલાવે છે.

બજારપેઠ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આર. આર. પાટીલે કહ્યું હતું કે ‘કલ્યાણ (વેસ્ટ)ના ખડકપાડા વિસ્તારમાં આવેલા વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા પીયૂષે હાલમાં જ તેના મિત્ર ગિરીશ પાસેથી એક પ્લૉટ ખરીદી કર્યો હતો અને આ પ્લૉટના ૨૦ લાખ રૂપિયા ગિરિશને આપવાના બાકી હતા. જ્યારે દહિસરમાં રહેતા તેના જ સાળા વિજય પટેલને પણ પૈસાની જરૂર હતી, એથી પીયૂષે પોતાના જ અપહરણનું નાટક કરી તેના સગા ભાઈ પાસે ખંડણી માગી આ ડીલના રૂપિયા ચૂકવવાનો પ્લાન બનાવ્યો હતો.’

બુધવારે કોઈ ને કંઈ પણ કીધા વગર સાંજે પીયૂષ તેના ઘરેથી નીકળી ગયો હતો અને તેના સાળા વિજયને ફોન કરી તેને દહિસર મળવા બોલાવ્યો હતો અને તેના અપહરણમાં સાથ આપવા તેને કહ્યું હતું. પ્લાન મુજબ પીયૂષ છુપાવવા માટે મીરા-રોડના એમરલ્ડ લૉન્જમાં રૂમ બુક કરી ત્યાં રહેવા જતો રહ્યો હતો.

કલ્યાણ બ્રાંચના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત નિંબાલકરે કહ્યું હતું કે ‘બુધવારે સાંજે પ્રીતેશને સલીમભાઈ નામના એક યુવકનો ફોન આવ્યો હતો અને ફોન પર તેણે કહ્યું હતું કે ‘અમે તારું અપહરણ કરવા ઇચ્છતા હતા, પણ ભૂલમાં તારા ભાઈ પીયૂષનું અપહરણ અમે કરી લીધું છે. જો સહીસલામત તારો ભાઈ તને જોઈએ તો તરત તું કલ્યાણ (વેસ્ટ)માં આવેલા દૂરગડી કિલ્લામાં એક કરોડ રૂપિયા લઈને આવી જજે.’

થાણે ક્રાઇમ બ્રાંચના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર મિલિંદ ભારમભેએ કહ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે પીયૂષના પરિવારમાં તેની પત્ની હર્ષા પટેલ, પિતા મહેશ પટેલ, ભાઈ પ્રીતેશ પટેલ, તેના બિઝનેસ પાર્ટનર કમલેશ પટેલ અને તેના મિત્રોની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછની જાણ તેની જ એક બહેને આરોપી વિજયને કરી હતી.’

વિજયે તરત પીયૂષને મળી તેને કહ્યું હતું કે ‘તારા અપહરણની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ તને શોધી રહી છે, એથી ગભરાઈ જતાં પીયૂષ વિરાર પોલીસ-સ્ટેશનમાં પહોંચી ગયો હતો અને તેણે પોલીસને કહ્યું હતું કે ‘મારું અપહરણ થયું હતું. હું તેમના કબજામાંથી નાસી આવ્યો.’

પોલીસે પીયૂષનો મોબાઇલ ફોન ટ્રૅસ કર્યો ત્યારે વારંવાર તેના મોબાઇલનું લોકેશન મીરા રોડ આવી રહ્યું હતું. જ્યારે પોલીસને પીયૂષે કહ્યું હતું કે તેનું અપહરણ કરી તેઓ તેને શીલ ફાટા, દિવા અને કલ્યાણ અને મુંબઈમાં લઈ ગયા હતા. પીયૂષ પોલીસને ખોટી માહિતી આપી રહ્યો હોવાની પોલીસને શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેણે પોતાના જ અપહરણનો ભેદ ખોલી દીધો હતો અને કહ્યું હતું કે ‘તેને રૂપિયાની જરૂરત હતી એથી તેણે પોતાનું અપહરણ કરાવ્યું હતું.