સ્કૂલ-બસ રસ્તાના કિનારે પલટી થવાથી બચી જતાં અકસ્માત ટળ્યો

19 August, 2022 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનિક લોકોએ તાત્કાલિક દોટ મૂકી હતી અને ઇમર્જન્સી વિન્ડો દ્વારા બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

વસઈના નાયગાંવમાં બુધવારે સાંજે સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસ રસ્તાના કિનારે આવેલા ખાડામાં પલટી થતાં બચી ગઈ હતી. દરમ્યાન ડ્રાઇવરે બસ પર કાબૂ મેળવી લેતાં અકસ્માત ટળ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોટ મૂકી હતી અને ઇમર્જન્સી વિન્ડો દ્વારા બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. જોકે સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ ગભરાઈ ગયા હતા.

નાયગાંવ-ઈસ્ટમાંથી ટીવરી ફાંટા રસ્તો પસાર થયો છે. દરરોજની જેમ અવર લેડી ઑફ વૈલન્કિનીની સ્કૂલ-બસ બાળકોને સ્કૂલથી ઘરે મૂકવા માટે આ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન સન્ટેક નજીકના વિસ્તારમાં પહોંચતાં જ બસડ્રાઇવરનો અંદાજ રહ્યો નહીં એટલે બસ રસ્તો છોડીને રોડના કિનારા તરફ જતી રહી હતી. આ સમયે રસ્તાની સાઇડમાં પડેલા ખાડાને કારણે બસ એક તરફ નમી ગઈ હતી. બસ એક તરફ નમવાથી એમાં બેસેલા સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ ડરી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. એ જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને સલામત રીતે ઇમર્જન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. બસમાં સ્કૂલનાં ૫૦થી વધુ બાળકો હતાં. સદ્નસીબે આ બસ એક તરફ નમી ગઈ હતી. આખી બસ પલટી થઈ ગઈ હોત તો મોટો અકસ્માત થયો હોત.

દુર્ઘટના બાદ તાત્કાલિક બીજી બસ બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અઠવાડિયાથી વસઈ-વિરારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી રસ્તા પર અસંખ્ય ખાડા પડ્યા છે એટલે વરસાદમાં વાહનો ચલાવવામાં લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

mumbai mumbai news naigaon