જીવના જોખમે જીવ બચાવ્યા

03 February, 2021 07:47 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

જીવના જોખમે જીવ બચાવ્યા

અકસ્માત થવાથી બસની આવી હાલત થઈ ગઈ હતી

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સોમવારે રાતે સાડાબાર વાગ્યાની આસપાસ પ્રવાસીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસની બ્રેક અચાનક ફેઇલ થઈ ગઈ હોવાથી દહાણુના ચારોટી ટોલનાકા પર આગળ ઊભેલા કન્ટેનર સાથે અથડાતાં ભીષણ અકસ્માત થયો હતો. બસ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જઈ રહી હતી અને એમાં ૩૦ પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ૧૪ પ્રવાસીઓ ઉપરાંત બસનો ડ્રાઇવર જખમી થયા હતા. બસનો ચાલક ગંભીર રીતે જખમી થયો હોવાનું જાણવા મળ્યું હતું. જખમી થયેલા મુસાફરોમાં અનેક ગુજરાતી પ્રવાસીઓનો સમાવેશ છે. તેમને કાસાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડ્રાઇવરની સતર્કતાએ જાનહાનિ બચાવી

બસના ૫૩ વર્ષના ડ્રાઇવર કિનવાંજન પટેલને બ્રેક ફેઇલ થઈ હોવાનો અંદાજ આવી જતાં તેણે સતર્કતા બતાવી હતી અને બસના અકસ્માતને ટાળવા અને પ્રવાસીઓનો જીવ બચાવવા માટે આગળ ઊભેલા કન્ટેનરની પાછળ બસ લઈ જવામાં સફળ રહ્યો હતો. કન્ટેનરને ટક્કર મારવાને કારણે બસ ત્યાં જ અટકી ગઈ હતી. એને કારણે બસમાં પ્રવાસ કરી રહેલા ૩૦ પ્રવાસીઓનો જીવ બચી

ગયો હતો. જોકે એમાંથી અમુકને ઈજાઓ થઈ હતી.  

કાસા પોલીસ-સ્ટેશને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બસની બ્રેક ફેઇલ થઈ ત્યારે સમયસૂચકતા બતાવીને બસના ડ્રાઇવરે બસ રોકવાનો પ્રયત્ન કરતાં ત્યાં ઊભા રાખેલા કન્ટેનરને જોરદાર અથડાઈને બસ ઊભી રહી ગઈ હતી. આ રીતે ડ્રાઇવરે બસ રોકી હોવાથી મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. જોકે આ અકસ્માતમાં બસનો ડ્રાઇવર ગંભીર રીતે જખમી થયો હતો. તેની સાથે બસના ૧૪ પ્રવાસીઓ પણ જખમી થયા હતા. પોલીસને દુર્ઘટના વિશે જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જખમી થયેલા લોકોને કાસાની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી, પરંતુ બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ થયો હતો અને એને ખૂબ નુકસાન થયું હતું.’

કાસા પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘બસના ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધ્યો છે. તેની ધરપકડ કરવામાં નથી આવી, કારણ કે તે સારવાર લઈ રહ્યો છે.’

mumbai mumbai news dahanu western express highway preeti khuman-thakur