દશેરાએ દિવાળી પાક્કી

04 October, 2022 10:18 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જોકે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે સરકારે રેપો રેટમાં વધારો કર્યો હોવાથી સોનાના ભાવ વધ્યા છે એટલે થોડોઘણો ફરક પડે પણ ખરો

પ્રતીકાત્મક તસવીર

દશેરા અને દિવાળીના શુભ મુહૂર્તે આપણે ત્યાં સોનાની ખરીદી કરવાની પ્રથા છે અને આ વર્ષે પણ સોનાની ધૂમ ખરીદી થાય એવી શક્યતા છે. જોકે એક મત એવો પણ છે કે હાલ સરકારે રેપો રેટમાં વધારો કર્યો હોવાથી સોનાના ભાવ વધ્યા છે એથી કદાચ થોડોઘણો ફરક પડે પણ ખરો. જોકે ઓવરઑલ તો સોનું લોકો લેશે જ એવી જ્વેલર્સને આશા છે. 

મહારાષ્ટ્ર રાજ્ય સરાફ સુવર્ણકાર ફેડરેશનના તથા પુણે સરાફ અસોસિએશનના અધ્યક્ષ ફતેહચંદ રાંકાએ આ સંદર્ભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકો દુકાનોમાં જઈને જ્વેલરી ખરીદી રહ્યા છે અને બુક પણ કરાવી રહ્યા છે. જોકે હાલમાં જ મન્થ એન્ડ ગયો હોવાથી ઘરાકી થોડી સ્લો છે, પણ નીકળશે તો ખરી જ. નવરાત્રિના આ દિવસોમાં પણ લોકોએ ખરીદી કરી છે. ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું છે અને તેઓ દાગીનાની ડિલિવરી દશેરાએ લેવાના છે. બે વર્ષ પછી ભલે નવરાત્રિ અને દશેરા લોકો ઊજવતા હોય, પરંતુ ગયા વર્ષે પણ દશેરા અને દિવાળીમાં લોકોએ ખરીદી કરી જ હતી. આ વખતે પણ મીડિયમથી લઈને હાયર રેન્જમાં ખરીદી રહેશે. લોકો એ માટે ખાસ બજેટ બનાવતા હોય છે અને ખરીદી કરતા હોય છે. બીજું, રેપો રેટની અમારી માર્કેટ પર અસર થતી નથી. જેમણે લોન લેવી હોય તેમને અસર થાય, પણ જેમણે સોનું લેવું હોય તેમને એની અસર થતી નથી. જે લોકો સોનું લેવાના તેઓ લેવાના જ છે - પછી રેટ વધે કે ઘટે. જે ફરક પડશે એ ક્વૉન્ટિટીમાં પડશે. જે રીતે આ વર્ષે અખાત્રીજમાં લોકોએ સોનાની સારીએવી ખરીદી કરી હતી એ જ રીતે આ વર્ષે દશેરા અને દિવાળીમાં પણ લોકો સારીએવું સોનું ખરીદશે એવી આશા છે.’ 

એ જ રીતે બુલિયન માર્કેટના અગ્રણી વેપારી અને ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ તો સોનાની ઘરાકી ગ્રાહકો પર નિર્ભર હોય છે, પણ જે રીતે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યો છે એ જોતાં આ વખતે ઘરાકી થોડી ઓછી રહેશે એવું લાગી રહ્યું છે. આ વખતે થોડી ડિમાન્ડ ઓછી લાગી રહી છે. પ્રાઇસ ઘટે તો જુદી વાત છે. રેપો રેટની અસર દરેક વસ્તુ પર થતી હોય છે એ રીતે સોના પર પણ થાય. રેપો રેટ વધતાં બધી વસ્તુ મોંઘી થઈ જતી હોય છે એમ સોનાના ભાવ પણ વધી જતા હોય છે. હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું.’  

mumbai mumbai news dussehra diwali bakulesh trivedi