ટ્રેડવૉર લંબાતાં ગ્લોબલ સ્લોડાઉનના ભયથી સોનું એક સપ્તાહની ઊંચાઈએ

09 May, 2019 01:39 PM IST  |  મુંબઈ | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉર લંબાતાં ગ્લોબલ સ્લોડાઉનના ભયથી સોનું એક સપ્તાહની ઊંચાઈએ

ગોલ્ડ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર લંબાતી જતી હોવાથી ઇકૉનૉમિસ્ટો દ્વારા હવે ગ્લોબલ સ્લોડાઉનનો ભય વ્યક્ત થવા લાગ્યો છે. વળી ટ્રેડવૉર ખતમ થવાના ચાન્સીસ ઘટતાં ગ્લોબલ સ્ટૉક ઇન્ડેક્સ ઘટીને પાંચ મહિનાના તળિયે પહોંચતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું અને વર્લ્ડ માર્કેટમાં સોનું એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની એક્સપોર્ટ એપ્રિલમાં ૨.૭ ટકા ઘટી હતી, જે માર્ચમાં ૧૪.૨ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૨.૩ ટકા વધારાની હતી. ચીનની ઇમ્પોર્ટ છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત એપ્રિલમાં વધી હતી, એપ્રિલમાં ઇમ્પોર્ટ ચાર ટકા વધી હતી, જે માર્ચમાં ૭.૬ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૩.૬ ટકા ઘટાડાની હતી. અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ મે મહિનામાં વધીને ૧૫ વર્ષની ઊંચાઈએ ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૪.૨ પૉઇન્ટ હતો. અમેરિકાના જૉબ ઓપનિંગ માર્ચમાં વધીને ૭૪.૮૮ લાખે પહોંચ્યાં હતાં જે અગાઉના મહિને ૭૧.૪૨ લાખ હતાં, જે નવ મહિનાની નીચી સપાટી હતી. માર્કેટની ધારણા માત્ર ૭૨.૪૦ લાખ જૉબ ઓપનિંગ ડેટાની હતી. ચીનની એક્સપોર્ટ ધારણાથી વિપરીત ઘટતાં તેમ જ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર લંબાતી જતી હોવાથી વિfવવના અગ્રણી દેશોના સ્ટૉક ઇન્ડેક્સ ઘટીને ચારથી પાંચ મહિનાના તળિયે પહોંચ્યા હતા અને એની સામે સોનું અને જૅપનીઝ યેન વધ્યાં હતાં. સોનું એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર ખતમ થવાને બદલે લંબાતી જતી હોવાથી હવે વર્લ્ડના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો ફરી ગ્લોબલ સ્લોડાઉનની આગાહીઓ કરવા લાગ્યા છે. યુરોપિયન કમિશને યુરો એરિયાનો ગ્રોથરેટ ચાલુ વર્ષે ૧.૨ ટકા રહેવાની આગાહી કરી હતી, જે અગાઉ ૧.૩ ટકાની આગાહી કરી હતી. ખાસ કરીને યુરો એરિયાની સૌથી સ્ટ્રૉન્ગ ઇકૉનૉમી ગણાતાં જર્મનીનો ગ્રોથરેટ ઘટીને ૦.૫ ટકા જ રહેવાની આગાહી કરવામાં આવી છે, જે અગાઉ ૧.૧ ટકાના ગ્રોથરેટની આગાહી કરાઈ હતી. ટ્રમ્પ દ્વારા ચાઇનીઝ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ ટેરિફ લાદવાની ધમકી અપાયા બાદ ચાઇનીઝ વાઇસ પ્રીમિયર ગુરુવારે વૉશિંગ્ટન જવાના છે અને ટ્રેડવૉર ખતમ કરવા માટેના નવેસરથી પ્રયાસો કરશે. હાલના તબક્કે ટ્રેડવૉર બાબતે અનિશ્ચિતતા વધી રહી હોવા છતાં આવનારા દિવસોમાં પૉલિટિકલ અને ઇકૉનૉમિક કન્ડિશન બગડવાના સંકેતોને પગલે સોનામાં હવે ઘટાડાના ચાન્સીસ પૂરા થયા હોય તેવું દેખાવા લાગ્યું છે.