23 January, 2024 09:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મીરારોડમાં ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર (વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ)
અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુંબઈના મીરા રોડ પરથી હિંસાની ઘટના સામે આવી હતી. ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની નોંધ બાદ પ્રશાસને હવે વિસ્તારમાં યૂપીના યોગી મૉડલની જેમ બુલડોઝર એક્શન શરૂ કરી દીધી છે. આમાં મીરા રોડ પર હાજર ગેરકાયદેસર નિર્માણોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે.
મુંબઈના મીરા રોડમાં 21 જાન્યુઆરીના રોજ હિંસાની ઘટનાઓ પર મહારાષ્ટ્ર સરકારે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી છે. મીરા રોડમાં થયેલી હિંસા મામલે આરોપીઓ વિરુદ્ધ નયા નગરમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાથી એક દિવસ પહેલા 21 જાન્યુઆરીની રાતે શ્રીરામ ઝંડાવાળા પર વાહનો પર પત્થરમારા બાદ તોડીને મારપીટ કરવામાં આવી હતી. ત્યારે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પોતે નોંધ લીધી હતી. ફડણવીસે કહ્યું હતું કે વિસ્તારના ગેરકાયદેસર નિર્માણ અને ગેરકાયદેસર કબજા પર કાર્યવાહી થશે. તેમણે હિંસા થવા પર પોલીસ અધિકારી મધુકર પાંડેને બોલાવ્યા હતા. તેમના સંજ્ઞાન બાદ પોલીસે ચાર સગીર સહિત કુલ 17 આરોપીઓને અટકમાં લીધા.
હિંસામાં ફેરવાયો વિવાદ
રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ, એક સમુદાયના લોકો ધાર્મિક નારા લગાવતા બાઇક અને અન્ય વાહનો પર નયા નગરમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય સમુદાયના કેટલાક લોકોએ તેમને રોક્યા અને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. થોડીવાર પછી વાતચીત અથડામણમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી. જેમાં એક મહિલાને માથામાં પણ ઈજા થઈ હતી. ઘટના બાદ પોલીસે નયા નગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને હિંસાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. મીરા રોડ હિંસાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
નયા નગરમાં ચાલ્યું બુલડોઝર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ગૃહ વિભાગ સંભાળે છે. તેની સીધી જાણ બાદ ઉત્તર પ્રદેશના યોગી મોડલની તર્જ પર મુંબઈમાં તોફાનીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ બુલડોઝર વડે તોડી પાડવામાં આવશે. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. આ પછી બદમાશોની ઓળખ થઈ.
શું થયું હતું?
ભાઈંદર-વેસ્ટમાં આવેલા ભોલાનગરમાં રહેતા વિનોદ જયસ્વાલે નયાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો છે, જેમાં તેણે નોંધ્યું છે કે ‘હું મારી પત્ની અને બાળકો સાથે રાતે અમારા વિસ્તારથી મીરા રોડ તરફ જવા નીકળ્યો ત્યારે મીરા-ભાઈંદર રોડ પર ભારે ટ્રાફિક હતો એટલે મેં કાર નયાનગર તરફ વાળી લીધી હતી. એ સમયે મારી સાથે નજીકમાં રહેતા મિત્રો ટૂ-વ્હીલર પર હતા. અમારાં વાહનો પર એ સમયે જય શ્રીરામના ઝંડા હતા. અમે આગળ જઈ રહ્યા હતા ત્યારે એક યુવક મારી કાર સામે આવીને ઊભો રહી ગયો હતો અને તેણે કારના આગળના ભાગમાં રાખેલો ઝંડો ખેંચી લીધો હતો અને કહ્યું કે ‘પાંચ મિનિટ ઊભા રહો, જોઉં છું હવે તમને તમારા રામ બચાવવા આવે છે કે નહીં?’ થોડી જ વારમાં ૫૦થી ૬૦ લોકોનું ટોળું અમારાં વાહનો પર તૂટી પડ્યું હતું. પથ્થર મારીને કારના કાચ તોડી નાખીને એક યુવકે મારા ચહેરા પર ચાકુથી હુમલો કર્યો હતો, જેથી મારા જમણા ગાલ પર ઈજા થઈ હતી. એ સમયે મારી સાથે મારી પત્ની અને બાળકો પણ હતાં. ટોળું અમને મારી જ નાખશે એવું લાગતું હતું. જોકે થોડી વારમાં પોલીસ આવી પહોંચતાં અમે બાલબાલ બચ્યાં હતાં.’